કલેક્ટર આર.જે.હાલાણીની ઉપસ્થિતીમાં વ્યારાના બેડકુવા નજીક ખાતે વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લામાં ઠેરેઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યાર;રવિવાર: વન સંપદાથી સમૃધ્ધ તાપી જિલ્લાને અતિ સમૃધ્ધ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહ્યોગથી ઠેર ઠેર વૃક્ષારોપણ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે તાજેતરમાં કલેક્ટર આર.જે.હાલાણીની ઉપસ્થિતીમાં જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ઉપક્રમે તથા ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટ વ્યારાના સહયોગથી ઈકો કલબ દુધીબા સરસ્વતી વિદ્યામંદિર રામપુરા ખાતે વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે, આજે વધતી જતી વસ્તી અને ઔદ્યોગીકરણના લીધે પર્યાવરણની સમસ્યા અતિ ગંભીર બની રહી છે. આજે ૪૦ ટકા જેટલી ગામડાની વસ્તી શહેરોમાં વસવાટ કરતા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક સાધનોના બેફામ ઉપયોગથી વાતાવરણ દુષિત થઈ જતા વાયુ મંડળમાં કાર્બન ડાયોક્સાઈડ અને ગેસની માત્રા વધી જતા ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થયો છે. આ તમામ બાબતોથી છુટકારો મેળવવાનો એક માત્ર વિકલ્પ “ વૃક્ષો વાવી પર્યાવરણમાં સંતુલન બનાવો.” પર્યાવરણમાં દરેક તત્વ સંતુલિત છે. અને તે સંતુલન ટકાવી રાખવું આપણી નૈતિક જબાબદારી છે. દરેક વ્યક્તિ/સંસ્થાઓ શક્ય હોય ત્યાં વધુમાં વધુ રોપાઓ રોપીને તેનો ઉછેર કરે તે જરૂરી છે. તેમ જણાવી માનવજીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતુ અને જીવનમાં ડોકટરની જરૂર ના પડે તે માટે પોતાના ખેતર ,શેઢા-પાળીએ વધુને વધુ વૃક્ષોનો ઉછેર કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ કોરોના વોરિયર્સ સર્વશ્રી કૃણાલ પટેલ, રાહુલ ગામીત, રાજુલ શાહ, માહીર શેખ, જયેશ પવાર, ભુપેશ બોરશે, પ્રજેશ ગામીત અને સુજલ ચૌધરીનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટરશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્થાનિક લોકોને વૃક્ષ વિતરણ સાથે માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડો.અતુલભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં તાપી જિલ્લા સંકલનકાર, “ગીર” ફાઉન્ડેશન-ગાંધીનગર અને પ્રમુખ-ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ ના યોગેશભાઈ પટેલે ગીર ફાઉન્ડેશન અને સેવામય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં અગ્રણીઓ, યુવાનો સહિત સ્વયંભૂ લોકોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી વૃક્ષ સ્વનિર્ભર ન થાય ત્યાં સુધી તેનો ઉછેર કરવાની જવાદારી સ્વીકારીને વૈશ્વિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારો સામે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.