સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરીજનોને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, ‘પ્રજાની અપેક્ષા, સપનાઓ અને જરૂરિયાતો કોરોનાની કામગીરી વચ્ચે પણ મહાનગરપાલિકાના કર્મયોગી પરિવારે પૂર્ણ કરી છે. સુરત વિશ્વના વિકસિત શહેરોની સમકક્ષ બને તે માટે જનસુવિધા વધારતાં અનેક વિકાસકામો વ્યાપક રીતે થતા રહે અને નાણાંના અભાવે વિકાસકામો અટકે નહીં એવી સુદ્રઢ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના ૦૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના ૧૪ વિકાસકામોનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું. જેમાં મુગલીસરા સ્થિત મનપાની મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી મેયરશ્રી ડો.જગદીશ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ હાજર રહયા હતાં.વિડીઓ કોન્ફરન્સથી સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે પણ પાલિકાએ સુરતવાસીઓની સુખસુવિધાઓની કાળજી લીધી છે. કોરોના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે વિકાસ કામોની ગતિ યથાવત જારી રાખી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર જનસહયોગથી ગુજરાતે સાકાર કર્યો છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વી.ડી.ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, ડે.મેયરશ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અનિલભાઈ ગોપલાણી સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.