તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ. ૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૪મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે ઈ-સમારોહ યોજાશે.આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, મેયરશ્રી ડો.જગદીશ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રભુભાઈ વસાવા તેમજ સર્વે ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.