ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને ભારે હાલાકી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ રહી છે.
મળતી માહિતી મુજબ કોરોના મહામારી વચ્ચે વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રુપ ગ્રામપંચાયત ની કચેરી છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોય અહીં લોકોને ઓનલાઈન દાખલા કે સરકારી વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી જવું પડે છે. હાલ ચોમાસુ અનિયમિત હોવાના કારણે ગરીબ આદિવાસી ખેડૂતોને મળવા પાત્ર સરકારી યોજનાઓની માહિતી ગ્રામ પંચાયતની કચેરીએ થી મળી શકતી નથી.હાલ કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારના આદિવાસી વાહન વ્યવહાર ન હોવાના કારણે જિલ્લા મથકે જઇ શકતા નથી.
એક તરફ રાજ્ય સરકાર ગામડાને ગાંધીનગર ઓનલાઈન જોડવાની મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત માં મોબાઈલ નેટવર્ક ની સમસ્યા ઘણા સમયથી ચાલી આવી છે, જેથી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી જોજનો દૂર હોય તેવી પ્રતીતિ થાય છે. તેવામાં વઘઇ તાલુકા વિકાસ અધિકારી દગુનિયા ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.