માંગરોળ : તાલુકાનું મોટું સેન્ટર, ઝંખવાવ ગામે વીજ પ્રવાહનો વિકટ પ્રશ્ન : ગ્રામ પંચાયત તરફથી અનેકો વખત રજુઆત છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં ડીજીવીસીએલનાં અધિકારીઓ નિષ્ફળ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનું મોટું સેન્ટર એવા ઝંખવાવ ગામે છેલ્લા ઘણાં લાંબા સમયથી વીજપ્રવાહ ની અનિયમિતતા પ્રશ્ને પ્રજાજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે, ઝંખવાવ ગામે રેફરલ હોસ્પિટલ, આઈ. ટી.આઈ.,શાળાઓ,ક્વોરી ઉધોગો, હોટલો વગેરેઓ આવેલા છે,સાથે જ ઝંખવાવ સહીત આસપાસના વિસ્તારોમાં આવેલા અનેક ખેતીવિષયક વીજ જોડાણો ધરાવતાં ખેડૂતો અને ઘર વપરાશનાં અનેક વીજ ધારકો અનિયમિત વીજ પુરવઠો મળવાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઝંખવાવ વિસ્તારનો વીજ પુરવઠો જે ફીડર ઉપરથી આપવામાં આવ્યો છે એ વીજ ફીડર ઉપર અન્ય ગામોને પણ જોડી દેવામાં આવ્યા છે તેવી જ રીતે ખેતીવિષયક વીજ ફીડર ઉપર પણ અન્ય ગામોનાં ખેતવિષયક વીજ જોડાણ આપવામાં આવેલાં હોવાથી જ્યારે અન્ય ગામો ખાતે કોઈ વીજ ફોલ્ટ થાય ત્યારે ઝંખવાવ ગામનો વીજ પુરવઠો પણ ખોરવાઈ જાય છે. આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે ગ્રામપંચાયતે તથા માંગરોળ તાલુકા પંચાયત ની ઝંખવાવ બેઠકના સદસ્ય અને તાલુકા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન ઉમેદભાઈ ચૌધરી વગેરેઓએ રજુઆત કરી છે, છતાં આજદિન સુધી આ પ્રશ્ન હલ કરવા માટે ડીજીવીસીએલ તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં પ્રજાજનોમાં રોશની લાગણી ફેલાઇ છે. આ પ્રશ્ને માંગરોળ, ડીજીવીસીએલ કચેરીના અધિકારીને પૂછતાં જણાવ્યું કે ઝંખવાવ વીજ સબસ્ટેશન રેલવે લાઈનની બહાર આવેલું છે જેથી વીજ સબસ્ટેશન માંથી ઝંખવાવ ગામ સુધી અલગ ફીડર ઉભો કરવા માટે રેલવે ક્રોસિંગ હોય આ માટે રેલવેની મંજૂરી લેવાની હોય છે આ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છૅ, રેલવેની મંજૂરી આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.