સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હાલ ખેડૂતો માટે હાલ વાવણીનો સમય છે ત્યારે જે તે પાકના પાયારૂપ યુરિયા જેવા ખાતરોની જરૂર પડતી હોય છે પરંતુ માંગરોળ તાલુકાના વાંકલ ગામે વહેલી સવારથી 200-250 ખેડૂતોની ખાતર માટે લાંબી કતાર જોવા મળી હતી.છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ખાતર માટે પડાપડી કરી રહ્યા છે ખાતર નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.સમયસર ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ખેડૂતો વહેલી સવારથી જ ખાતરનું વિતરણ શરૂ થાય તે પહેલા લાંબી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ સાથે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. વાંકલ વિભાગ મોટા કદની સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને ખાતરની જરૂર છે. હાલ 12 ટન જેટલો ખાતરનો જથ્થો છે અને 70 જેટલા ખેડૂતોને ખાતર મળી રહેશે. ખાતરનાં જથ્થાને ધ્યાનમાં રાખીને એક ખેડૂતદીઠ 3 બેગ આપવામાં આવી રહી છે. જ્યારે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યારે ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતરનું વિતરણ કરીશું એવું જણાવ્યું હતું.