ઝારખંડના બે વોન્ટેડ આરોપીઓ તાપી જિલ્લાના કટસવાણથી જ્યારે અન્ય એક આરોપી મહિસાગરથી ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત એટીએસની ટીમે તાપી જિલ્લાના કટસવણ ગામેથી બે સંદિગ્ધની ગઈકાલે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક સંદિગ્ધની મહિસાગરથી ધરપકડ કરવામાં આવી છે, મૂળ ઝારખંડના ત્રણેય આરોપીઓ તાપી જિલ્લાના કટસવણ ગામે છેલ્લાં કેટલાંક સમયથી રહેતા હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે. ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત ઈનપુટ દ્વારા માહિતી મળી હતી. જેમાં (1) સામુ ઓરેય, રહેવાસી ગુટીગરા જીલ્લો ખૂંટી ઝારખંડ, (2) બિરસા ઓરિયા, રહેવાસી ગુટીગરા જીલ્લો ખૂંટી ઝારખંડ,(3) બબીતા કછપ સુકર કછપ રહેવાસી 144, હુન્દ્ર દોરબંદા, જીલ્લો રાંચી, ઝારખંડ હાલ, રહેવાસી ગામ જલદાડા,તાલુકો સંતરામપુર,જીલ્લો મહીસાગર છે. તેઓ તેમના સાથીદારો સાથે પથ્થલગડી ચળવળના કાર્યકર્તાઓ સાથે સંકળાયેલા છે.
મહત્વનું છે કે ઉપરોક્ત આરોપી બબીતા કછપ તથા બીરસા ઓરીયાવાળા પથ્થલગડી આંદોલનને લગતી હિંસક પ્રવૃતિઓમાં ઝારખંડ રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ અલગ- અલગ ગુન્હાઓમાં ફરાર છે. ગુજરાત એ.ટી.એસ ને વિશ્વસનીય સ્ત્રોત પાસેથી ગુપ્ત માહિતી મળી હતી કે બબીતા કછપ સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને તેમના ઉદ્દેશોની શોધમાં હિંસક માધ્યમોનો ઉપયોગ કરવા ઉશ્કેર છે. તેમજ સામુ ઓરેયા અને બિરસા ઓરિયા પણ તાપી જિલ્લાના વ્યાર તાલુકામાં સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવામાં સક્રિય છે. ઉપરોક્ત બાતમી અંગે ગુજરાત એ.ટી.એસ દ્વારા વિગતવાર ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ઉપરોક્ત આરોપીઓ ઉપર ટેકનીકલ સર્વેલન્સ થી બહાર આવ્યું હતું. કે તેઓ ગુજરાત સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં તેમના હિંસક માધ્યમોનો પ્રચાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે ઉપરોકત આરોપીઓના રહેણાંક મકાનોમાં ગઈકાલે એ.ટી.એસ. દ્વારા ઝડતી કરવામાં આવતા પ્રતિબંધિત સંગઠન ગણાતી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ને લગતી પત્રિકાઓ અને મુદ્રિત સામગ્રી મળી આવી છે. તેમજ આરોપીઓના મોબાઈલ ફોન અને લેપટોપમાં પણ કેટલીક સામગ્રી મળી આવેલી છે. જે કબ્જે કરવામા આવ્યા છે. ઉપરાંત બિરસા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપી ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થલગડી વિચારધારાને પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કરવામા આવ્યા હતા. તેમજ તેઓ તેમની કાર્યવાહી અને શબ્દો દ્વારા સ્થાનિક લોકોમાં તેઓ કાયદાથી સ્થાપિત સરકાર સામે તિરસ્કાર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આરોપીઓ પથ્થરલડી આંદોલનની પદ્ધતિઓ અપનાવીને સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરૂધ હિંસક બળવાનું વાતાવરણ ઉભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરૂં ઘડી રહ્યા હતા.