ડાંગ જિલ્લાની પરંપરાગત આયુર્વેદીક ચિકિત્સા પદ્ધતિથી ગ્રામીણજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રશાસનનો સ્તુત્ય પ્રયાસ
ડાંગના જંગલોમાં થતી વન ઔષધીના જતન અને સંવર્ધન ઉપર ભાર મુક્તા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર શ્રી સુદીપકુમાર નંદા
આહવા ખાતે ડાંગ જિલ્લાના વૈધરાજો સાથે સંવાદ સાધતા શ્રી એસ.કે. નંદા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૨૨ ; ડાંગ જિલ્લાના ઘેઘુર વનપ્રદેશમાં થતી અલભ્ય વન ઔષધીઓના યોગ્ય જતન અને સંવર્ધન થકી અહીની વર્ષો જૂની પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો “સર્વજન હિતાય, સર્વ જન સુખાય” માટે ઉપયોગ કરવાની હિમાયત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર શ્રી સુદીપકુમાર નંદાએ કરી છે.
તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા શ્રી એસ.કે.નંદાએ જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લાના વૈધરાજો/ભગતો સાથે સીધો સંવાદ સાધી વન, વન ઔષધી, અને આયુર્વેદીક ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારી ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રશાસનિક પ્રયાસોમાં વૈધરાજોનો સહયોગ જરૂરી છે, તેમ જણાવ્યું હતું. લાલ ચોખા સહિત રોઈચા ઘાસ, નાગલી, સફેદ મુસળી જેવા વિશિસ્ટ વનીલ ઉત્પાદનો થકી આર્થિક ઉપાર્જન કરીને ભગત પરિવારો સ્વયમ પ્રગતી સાધીને, લોકોપયોગી સેવાકીય કાર્યો પણ કરી શકે છે તેમ પણ તેમને આ વેળા જણાવ્યું હતું.
દરમિયાન ડાંગ કલેકટર શ્રી એન.કે,ડામોરે વૈધરાજોને ગ્રુપ બનાવી તેમના સર્વાંગીણ વિકાસ માટેના પ્રોજેક્ટમાં સહયોગી બની “આત્મનિર્ભર” બનવાની દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. વન વિકાસ નિગમ સહિત આદિજાતિ વિકાસ વિભાગની જુદી જુદી યોજનાઓમાંથી સહાય મેળવી પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અને જ્ઞાનનો બખૂબી ઉપયોગ કરીને, સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવાની અપીલ કરતા શ્રી ડામોરે, ભગત પરિવારની નવી પેઢીને પણ આ ચિકિત્સા પદ્ધતિનું જ્ઞાન વારસામાં મળી રહે, અને અહી રોજગારીનું કાયમી વ્યવસ્થાપન કરી શકાય તેવા સહિયારા પ્રયાસોની પણ હિમાયત કરી હતી.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ ડાંગ વન વિભાગ દ્વારા બોટાનિકલ ગાર્ડન-વઘઈ તથા નવતાડ ખાતેની વન ઔષધી ઉછેર નર્સરી ખાતે જુદી જુદી વન ઔષધિઓના રોપાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે તેમ જણાવી વન તથા વન ઔષધીના જતન, સંવર્ધનની કામગીરીમાં વન વિભાગ સહયોગી બની રહેશે તેમ જણાવ્યું હતું.
દરમિયાન ડાંગના વૈધરાજો વતી શ્રી સયાજુ ઠાકરે, મંગુભાઈ વિગેરેએ ઉચ્ચાધિકારીઓ સાથેની ચર્ચામાં ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા અને નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે પણ ઉપયોગી માર્ગદર્શન રજુ કર્યું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, સરકારી આયુર્વેદ હોસ્પીટલના વૈધ (પંચકર્મ) બર્થા પટેલ સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિતરહી તેમની ભૂમિકા અદા કરી હતી.
–