રાજ્યના નાણાં વિભાગના સચિવ અને જિલ્લાના પ્રભારીશ્રી મિલિંદ તોરવણેએ તાપી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; રવિવાર: રાજયના નાણાં વિભાગના સચિવ અને તાપીના પ્રભારીશ્રી મિલિંદ તોરવણેએ આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી તાપી જિલ્લામાં covid-19 ની સ્થિતિ અંગેની વિસ્તૃત સમીક્ષા કરી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા અંગે વહીવટી તંત્ર દ્વારા હાથ કરવામાં આવેલ કામગીરી, લેવામાં આવેલ વિવિધ પગલાઓ તથા આગામી આયોજન વિશે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
તાપી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ સહિત જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે શ્રી મિલિંદ તોરવણે આજે તાપી જિલ્લાની મુલાકાત લઈને કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી જિલ્લામાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં કલેકટરશ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, પોલીસ આધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, જનરલ હોસ્પિટલના ડો.નૈતિક ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલા સહિત સબંધિત અધિકારીઓએ સચિવશ્રીને તાપી જિલ્લામાં કરવામાં આવી રહેલ કોરોના અંતર્ગત કોરોન્ટાઇનની વ્યવસ્થા, કોન્ટેક્ટ ટ્રેસિંગ, કન્ટેઈન્ટમેન ઝોનની સ્થિતિ, કોરોના પોઝિટિવ કેસો, બહારથી આવતા લોકોથી સંક્રમણ અટકાવવા લીધેલાં પગલાં, ડોર ટુ ડોર સર્વેલન્સ, સેમ્પલ અને ટેસ્ટિંગની વિગતો, જાહેર સ્થળોમાં સેનેટાઈઝેશનની કામગીરી, હોસ્પિટલમાં બેડની સંખ્યા, પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની વિગતો, વેન્ટિલેટર તથા ઓક્સિજન પર રહેલા દર્દીઓની વિગતો, ચેક પોસ્ટ, ધન્વંતરી આરોગ્ય રથની કામગીરી બાબતે વિસ્તૃત અહેવાલ આપી હાલની સ્થિતિથી માહિતગાર કર્યા હતા..
સચિવશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆતથી જ કલેકટરશ્રી સાથે ટેલિફોનીક સંપર્કના કારણે જિલ્લાની સ્થિતિથી સંપૂર્ણ વાકેફ છું. ચાર માસ જેટલા સમયથી આપ સૌએ ખૂબ સારી કામગીરી કરી છે. આ વૈશ્વિક સમસ્યા સબંધે આ સમયગાળા દરમિયા જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી કરી એ પ્રશંશનિય છે.
વધુમાં સરકાર દ્વારા અનલોક કરવામાં આવ્યું છે ત્યારે હવે લોકોએ પણ જવાબદાર બની કોરોના સામે લડવાનું છે. લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરે અને કોરોનાથી વધુમાં વધુ માહિતગાર થઈ જાગૃત બની તંત્રને શક્ય તેટલો સહકાર આપે. કોરોનાને અત્યારે સૌએ સાથે લઈને જીવવાનું છે ત્યારે કોરોના સામેની લડતમાં લોકજાગૃતિએ મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. જિલ્લામાં હાલમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા આગોતરી તૈયારીના ભાગરૂપે આવશ્યક દવાઓ, સાધનો, સ્ટાફ વગેરે બાબતે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સારવાર, સંક્રમણ અટકાયતી દરેક પરિમાણની ચર્ચા કરી તાપી જિલ્લામાં સંક્રમણ વધે નહીં અને સારવારને પણ વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અંગે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનીયા, આરોગ્ય અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….