ડાંગ જિલ્લાના કુલ રૂ.૪૩૦૧.૯૨ ના પાંચ વિકાસ કામોનું ગાંધીનગરથી ઈ ખાતમુહુર્ત/ભૂમિપૂજન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
ડાંગ જિલ્લાના સરકારી કર્મચારી/અધિકારીઓ માટે નવા આવાસોના નિર્માણ સાથે વઘઈ તાલુકામાં બે મોટા પુલોનું નિર્માણ અને સુબીર તાલુકાના આંતરરાજ્ય માર્ગને પહોળો કરાશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાગ જિલ્લાને મળેલા વિકાસ કામો બદલ સૌને શુભેચ્છા પાઠવતા શ્રી નીતિનભાઈ પટેલ ; સ્થાનિક જનપ્રતિનિધિઓએ પ્રજાજનો વતી રાજ્ય સરકારનો વ્યકત કર્યો આભાર
–
વઘઇ; તા; ૧૬ ; વિકાસના પંથે આગળ વધી રહેલા ડાંગ જિલ્લામાં રાજ્ય સરકારે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરીને, કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ ડાંગના પ્રજાજનોને આપી છે, જે બદલ સૌ પદાધિકારીઓ, કાર્યકરો, ડાંગીજનો, અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે.
ગાંધીનગરથી શ્રેણીબદ્ધ વિકાસ કામોનું ઈ ખાતમુહુર્ત/ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.૪૩૦૧.૯૨ લાખના પાંચ કામોનું ખાતમુહુર્ત/ભૂમિપૂજન કર્યું હતું.
“કોરોના”ને અનુલક્ષીને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડાંગના પદાધિકારીઓ સર્વશ્રી બાબુરાવ ચૌર્યા, રમેશભાઈ ચૌધરી, મંગળભાઈ ગાવિત, રમેશભાઈ ગાંગુર્ડે, રાજેશભાઈ ગામીત સહિત જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી સાથે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવાદ સાધી, રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ગીરીશ મોદી, સંકેત બંગાળ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આહવાના સર્કીટ હાઉસ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં કલેકટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી ભગોરા, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, નાયબ ઈજનેરો સર્વશ્રી અમીષ પટેલ, ધર્મેશ પટેલ, સંપતભાઈ બારોટ, સંદીપ માહલા સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ અને તેમની ટીમ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે થયેલા ઈ ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમમાં, ડાંગ જિલ્લાના રાજ્ય માર્ગ મકાન વિભાગના બે કુલ રૂ.૨૫૪૧.૯૨ લાખના બે કામો, તથા જિલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ હસ્તકના કુલ રૂ.૧૭૬૦ લાખના ત્રણ કામો મળી એકંદર કુલ રૂ.૪૩૦૧.૯૨ લાખના પાંચ વિકાસ કામોનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લામાં આકાર લેનારા આ નવા પ્રકલ્પોની વિગતો જોઈએ તો, રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા આહવા સ્થિત જવાહર કોલોની ખાતે રૂ.૮૬૭.૯૦ લાખના ખર્ચે “સી” ટાઈપના સરકારી કર્મચારી/ઓફિસર્સ માટેના કોમન પુલ ક્વાટર્સ (૩૬ યુનિટ) તથા, આહવાની ગાંધી કોલોની ખાતે રૂ.૧૬૭૪.૯૦ લાખના ખર્ચે “બી” ટાઈપના સરકારી કર્મચારી/ઓફિસર્સ માટેના કોમન પુલ ક્વાટર્સ (૬૦ યુનિટ) તૈયાર કરાશે.
જયારે ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા વઘઈ તાલુકાના નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ ઉપર રૂ.૪૬૦ લાખના ખર્ચે તૈયાર થનારા મેજર બ્રીજ સહિત સૂપદહાડ-સૂર્યાબરડા રોડ ઉપર રૂ.૩૦૦ લાખના ખર્ચે મેજર બ્રીજ, ઉપરાંત સુબીર તાલુકાના મહાલ-સુબીર-વારસા રોડને રૂ.૧૦૦૦ લાખના ખર્ચે પહોળો કરવાના કામનો સમાવેશ થાય છે.
–