ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પીપલાઈદેવી ક્લસ્ટરમા ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ મોટાપાયે વાવેતર કરાવાયુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) તા; ૧૫ ; “કોરોના”ના કહેરને પગલે લાગુ કરાયેલા “લોકડાઉન”ના સમયમાં પણ ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘરઆંગણે જ રોજગારી મળી રહે, તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પીપલાઈદેવી ક્લસ્ટરમા મોટે પાયે ઔષધીય પાક એવી સફેદ મુસળીનું વાવેતર કરાવીને, સ્થાનિક ખેડૂતોની આજીવિકામાં વધારો કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિસ્વર વ્યાસના જણાવ્યા અનુસાર તેમના કાર્ય વિસ્તારના પીપલાઈદેવી ક્લસ્ટરમા વન સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતોને સફેદ મુસળીનુ બીયારણ પૂરું પાડવામાં આવ્યું છે. સને ૨૦૨૦/૨૧ના વર્ષ દરમિયાન આ વિસ્તારના કુલ ૧૦ ગામોના ૧૩૩ ખેડૂતોને ૧૧૧૦ કિલોગ્રામ બિયારણ પૂરું પાડી, આ ઔષધીય પાકની ખેતપદ્ધતિ અંગે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. પાક તૈયાર થતા આ ખેડૂતોને અંદાજીત ૩૩૩૦ કિલોગ્રામ ઉત્પાદન મળવાની સંભાવના પણ શ્રી વ્યાસે વ્યક્ત કરી છે.
આ અગાઉં સને ૨૦૧૯/૨૦મા પણ વન વિભાગ દ્વારા ૩૬ ગામોના ૩૨૪ ખેડૂતોને ૩૦૦૦ કિલોગ્રામ બીયારણનું વિતરણ કરાયુ હતું. જેમાંથી તેમને ૮૨૭૯ કિલોગ્રામ સફેદ મુસળીનું ઉત્પાદન મળ્યું હતું. સફેદ મુસળીની માંગ અને તેનું બજાર જોતા અહીના ખેડૂતોને ઘર આંગણે જ આજીવિકા મળવા સાથે, તેમનું સ્થળાંતર, અને જંગલ ઉપરનું ભારણ પણ ઘટાડી શકાયુ છે, તેમ શ્રી વ્યાસે વધુમાં જણાવ્યું હતું.
ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક જિલ્લો છે. અહી વન ઔષધીઓનો ખજાનો ભર્યો પડ્યો છે. સદીઓથી ડાંગના લોકો આ વન ઔષધીઓનો ઉપયોગ કરતા આવ્યા છે. નવી પેઢી પણ આ પરંપરા આગળ વધારી રહી છે. જેને કારણે ગામડાના લોકો હજી પણ દવાખાના કે મેડીકલ સ્ટોરનો સીમિત ઉપયોગ કરતા હોય છે. વર્તમાન સમયે પણ લોકો દવાખાનાથી દુર રહેવાનું પસંદ કરે છે. કુદરતી જીવન જીવતા ડાંગીજનો ૯૫ થી ૧૦૦ વર્ષનું નિરામય જીવન પ્રકૃતિના ખોળે રહીને વ્યતીત કરી શકે છે.
સફેદ મુસળી એ પોષ્ટિક તત્વોનો ભંડાર કહેવાય છે. અહીના લોકો તેની ભાજીનો પણ તેમના રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે. મુસળી અને મુસળી પાવડરનો વિવિધ શક્તિવર્ધક દવાઓ તથા ફાર્મા કંપનીઓમાં પણ મોટે પાયે ઉપયોગ થાય છે. ઇન્દોર અને પુના જેવા શહેરોમાં તેનું ખુબ મોટું બજાર જોવા મળે છે. ભારતભરમાં ભારે માંગ ધરાવતી સફેદ મૂસળીના ઉત્પાદનથી ડાંગ જીલ્લાના ખેડૂતો બે પાંદડે થાય, તેવો વન વિભાગનો પ્રયાસ છે, તેમ પણ શ્રી અગ્નિસ્વર વ્યાસે વધુમાં જણાવ્યું છે.
–
Nice response in return of this query with solid
arguments and telling the whole thing on the topic of that.