આજે સુરતમાં મીટિંગ, બેઠકોનો દૌર, સુરતને કોરોનાથી બચાવી લેવા માટે એક્શન પ્લાન તૈયાર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા પંદર દિવસથી વધી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક ૨૪૮ કેસ પોઝિટિવ આવ્યાં હતાં. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી છે. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં આરોગ્ય સચિવ જયંતિ રવિ દોડી આવ્યા હતા. પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા હવે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કમાન સંભાળી લીધી છે. સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા અધિકારીઓનો રસાલો લઈ સુરત આવી પહોંચ્યા છે.
સુરતમાં આજે CM રૂપાણી અને ડે. CM નીતિન પટેલ સાથે જયંતિ રવિ, CMના અગ્ર સચિવ કૈલાશનાથન સહિતના અધિકારીઓ છે. સીએમ આજે સુરતમાં તબીબો, અધિકારીઓ, જનપ્રતિનિધીઓ સાથે બેઠકો યોજશે. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સુરતમાં આગામી સમયમાં ફરી એકવાર લૉકડાઉનનો અમલ કરવા બાબતે પણ વિચારણા કરવામાં આવશે એવું કહેવાય છે.