તાપી જિલ્લા ભાજપ દ્વારા ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણીનું આયોજન : વ્યારા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

0
તાપી જિલ્લા ભાજપ દ્વારા 'સંવિધાન ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણીનું આયોજન: સર્કિટ હાઉસ, વ્યારા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪.  ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી આગામી ૨૬ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશ અને રાજ્યની સાથે તાપી જિલ્લામાં પણ ‘સંવિધાન ગૌરવ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની રૂપરેખા આપવા માટે આજે સર્કિટ હાઉસ, વ્યારા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામીત, જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. જગદીશભાઈ પટેલ અને વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતે બંધારણનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે આ દિવસને ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવાની ઐતિહાસિક શરૂઆત કરાવી હતી, જેનાથી યુવા પેઢી બંધારણના મૂલ્યો અને પોતાના અધિકારો તથા ફરજો પ્રત્યે સજાગ બની છે.

તાપી જિલ્લામાં યોજાનાર મુખ્ય કાર્યક્રમો:

પુષ્પાંજલિ અને સન્માન: ૨૬ નવેમ્બરના રોજ સવારે વ્યારા સહિત જિલ્લાના તમામ તાલુકા અને મંડળ સ્તરે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

સંવિધાન ગૌરવ યાત્રા: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંધારણના સન્માનમાં ભવ્ય ‘સંવિધાન ગૌરવ યાત્રા’ કાઢવામાં આવશૈ.

બંધારણ આમુખનું વાંચન અને પરિસંવાદ: શાળા-કોલેજો તથા જાહેર સ્થળોએ ભારતીય બંધારણના આમુખ (Preamble) નું સામૂહિક વાંચન તેમજ બંધારણીય મૂલ્યો પર પરિસંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

આ પત્રકાર પરિષદમાં શ્રીમતી કૈલાશબેન ગામીત (પ્રદેશ ભાજપ મંત્રી), ડૉ. જગદીશભાઈ પટેલ (જિલ્લા ભાજપ પ્રભારી), શ્રી મોહનભાઈ કોકણી (ધારાસભ્ય, વ્યારા), શ્રી મોહનભાઈ ધોડિયા (ધારાસભ્ય, મહુવા), શ્રી અમિતભાઈ પટેલ (જિલ્લા ભાજપ મહામંત્રી), શ્રી મૃણાલભાઈ જોશી (જિલ્લા ભાજપ મહામંત્રી) અને ડૉ. નિલેશભાઈ ચૌધરી (પ્રદેશ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ) સહિત પાર્ટીના પદાધિકારીઓ અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લાના નાગરિકો, યુવાનો અને બુદ્ધિજીવીઓ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *