તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. :– તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બુધવારે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલી ૨૪ જેટલી અરજીઓ સંદર્ભે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતા.
આ બેઠકમાં પ્રોપર્ટી કાર્ડ, જમીન સંપાદન, જમીન દબાણ, ૭/૧૨ નોંધ, બસ ફાળવણી, શિષ્યવૃત્તિ, રોડ-રસ્તા જેવા મહત્વના મુદ્દાઓ અંગેની અરજીઓ પર વિગતવાર ચર્ચા કરાઈ હતી.
કલેક્ટરશ્રીએ તમામ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.મ
●●●
