પીએમ સૂર્ય ઘર યોજના થકી ડોલવણ તાલુકાના કલમકુઈ ગામના મહેશભાઈનું વીજ બિલ શૂન્ય થયુ

પીએમ સૂર્ય ઘર યોજના થકી ડોલવણ તાલુકાના કલમકુઈ ગામના મહેશભાઈનું વીજ બિલ શૂન્ય થયુસોલાર પેનલથી વીજળીના બિલમાંથી મુક્તિ મેળવતા મહેશભાઈ ગામિત, સરકારશ્રીનો આભાર માન્યો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 19. – તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલમકુઈ ગામના મહેશભાઈ કાંતિલાલભાઈ ગામિતે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર યોજના’ હેઠળ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે. સરકારની આ યોજના થકી સોલાર ઊર્જાનો ઉપયોગ કરીને તેઓ પોતાની વીજ જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે.
આ પ્રસંગે મહેશભાઈ હરખાતાં મુખે જણાવ્યુ કે, સરકારશ્રીની પીએમ સૂર્ય ઘર યોજના ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ વર્ષ ૨૦૨૫ થી આજદિન સુધી મારે એક પણ રૂપિયો વીજળીના બિલ પેટે ચૂકવવો પડ્યો નથી અને મારું વીજળીનું બિલ શૂન્ય આવે છે. સરકાર તરફથી મળેલી સબસિડીના કારણે સોલાર પેનલ લગાવવામાં પણ મદદ મળી છે. આ યોજનાથી મારા પરિવાર પરનો આર્થિક બોજ ઘટ્યો છે. આવી લોકકલ્યાણકારી યોજના અમલમાં મૂકવા બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
નોંધનીય છે કે, મહેશભાઈ ગામિત ગામ અને વિસ્તારના અન્ય લોકોને પણ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેઓ લોકોને આ યોજના અપનાવી વીજળીના બિલના ખર્ચમાં રાહત મેળવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ડોલવણ ખાતે ફરજ બજાવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના જુનિયર એન્જિનિયર સેહુલકુમાર એમ. ચૌધરીએ યોજનાની વિગતો આપતાં જણાવ્યું કે, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમની ક્ષમતા મુજબ સબસિડી આપવામાં આવે છે. જેમાં ૧ કિલોવોટની સિસ્ટમ માટે રૂ. ૩૦,૦૦૦, ૨ કિલોવોટની સિસ્ટમ માટે રૂ. ૬૦,૦૦૦ અને ૩ કિલોવોટ કે તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે રૂ. ૭૮,૦૦૦ સુધીની સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ યોજના હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરનારા ગ્રાહકોને વીજળીના બિલમાં નોંધપાત્ર રાહત મળી રહી છે. હજુ સુધી આ યોજનાનો લાભ ન લીધો હોય તેવા નાગરિકોને સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
○●○
