ગણતરીનાં કલાકોમાં વ્યારાનાં માલીવાળમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢતી તાપી જિલ્લાની પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાનાં માલીવાળ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં અંદાજે એક લાખ નેવુ હજારનાં મત્તાની ચોરીનાં ગુનાનો ભેદ તાપી જિલ્લા પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી કાઢી એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
તાપી જીલ્લાનાં વ્યારા નગરમાં આવેલ માલીવાળ વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળ રહેતા અને પશુપાલનનો ધંધો કરતાં દિનેશભાઈનાં રહેણાંક મકાનનાં મુખ્ય દરવાજાને લગાવેલ નકુચો કોઇ અજાણ્યા ચોર ઈસમે કોઇ સાધન વડે ગઈકાલ તા. 26નાં સાંજે 7 વાગ્યાથી તા. 27મી નાં સવારે 6 વાગ્યા દરમ્યાનનાં સમયગાળામાં તોડી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરનાં બીજા રુમમાં મુકેલ કબાટની તિજોરીમાં મુકેલ રોકડા રૂપિયા 90000/- તથા જુની સોનાની ચૈન પાંચ તોલાની કિંમત રુ 50000/-, તથા જુની સોનાની સા6દી ચૈન એક તોલાની કિંમત રુ 5000/- તથા સોનાની વીટી નંગ 2, કિંમત રુ 5000/- તથા સોનાની બુટી પાંચ જોડી વજન આશરે 2 તોલા કિંમત આશરે રૂપિયા 15000/- તથા ચાંદીની સાંકડી 2 જોડી વજન આશરે સાત તોલા કિંમત રુ 15000/- તથા ચાંદની ઝાંઝરી 1 જોડી આશરે 5 તોલાની કિંમત રુ 10000/- મળી કુલ રુપિયા 1,90,000/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી નાશી જવાની ઘાટનાં બનવા પામી હતી. જે અંગે વ્યારા પોલીસ મથકે તા. 27મીનાં શનિવારનાં રોજ 11:30 કલાકે ગુનો દાખલ થયો હતો. ચોરીનાં આ ગુનાનો ભેદ તાપી જીલ્લા પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી કાઢયો છે.
તા. 29મી નાં રોજ એચ.સી. ગોહિલ પી.આઈ. વ્યારા તેમજ ડિ. એસ. લાડ I/C પી.આઈ. એલ.સી.બી.તાપી પોલીસ સ્ટાફનાં માણસો સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન એચ.સી. ગોહિલ પી.આઈ. વ્યારાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે બારડોલી તરફ થી કાળા કલરની હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નો. G J 19 AS 0448 ઉપર એક ઇસમ ઘરફોડ ચોરી માટે રેકી કરવા વ્યારા ટાઉન તરફ આવનાર છે જે ચોક્કસ બાતમીના આધારે વ્યારા ના ટીચકપુરા ત્રણ રસ્તા પાસે બાયપાસ હાઈવે ઉપર વૉચમાં હતાં તે દરમ્યાન બાતમી હકિકત તેમજ વર્ણન મુજબની એક કાળા કલરની હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નો. G J 19 AS 0448 ઉપર તિલકસિંઘ જોગીંદરસીંઘ સિકલગર રહે. આર. ટી. ઓ. ઓફિસ પાછળ પચાસ ગાળા ઝુપડપટ્ટી બાલમંદિર પાસે ધામદોડ રોડ બારડોલી તા. બારડોલી જી. સુરત. આવતા તેને ઊભો રાખી પુછપરછ કરતા ગત ત. 27મી નાં રોજ મળસ્કે આશરે 4-5 વાગ્યાનાં સમયગાળા દરમિયાન પોતાનાં સાગરિતો સાથે હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નો. G J 19 AS 0448 ઉપર આવી મુખ્ય દરવાજાને લગાવેલ નકુચો તોડી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરનાં બીજા રુમમાં મુકેલ કબાટની તિજોરીમાં મુકેલ રોકડા તેમજ સોના ચાંદીનાં દાગીના ચોરી કરી નાશી ગયા ની કબુલાત કરેલ છે તેમજ આ આરોપીનાં કબ્જામાંથી એક કાપડની થેલીમાંથી પેચીયા નંગ 3 તથા પંચીગ નંગ 2 મળી આવેલ છે. ચોરીનાં ગુનામાં આરોપીની અટકાયત કરતા પહેલા કોવિડ 19 નો ટેસ્ટ રિપોર્ટ કરાવવા કોવિડ હોસ્પિટલ વ્યારા મોકલી આપેલ છે. જેનો આજરોજ રિપોર્ટ નેગેટિવ આવતા ચોરીનાં ગુનામાં અટકાયત કરવામાં આવી છે. તેમજ ગુનામાં વપરાયેલ સાધનો તેમજ મોટર સાયકલ નો. G J 19 AS 0448 કબ્જે કરવામા આવી છે. ગુનાની વધુ તપાસ પી.આઈ. એચ.સી. ગોહિલ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જીલ્લામાં નોંધાયેલા ચોરીનાં ગુનાઓમાં અનડીટેકટ રહેલાં ગુનાઓનો ગ્રાફ ઉંચો છે ત્યારે જિલ્લા પોલીસની માલીવાળ વિસ્તારમાં થયેલ ચોરીનાં ગુનાના ડીટેક્શનની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.