તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

0
તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
Contact News Publisher

અઢી મહિના બાદ પરિવાર સાથે સુખદ મિલન : ગુમ થયેલ મહિલા ૫ દિવસમાં સ્વજનોને સોંપાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. :- તાપી જિલ્લામાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને સખી વન સ્ટોપ સેન્ટરની માનવતાવાદી કામગીરીથી એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ મહિલાને નવું જીવન અને પોતાનો પરિવાર પાછો મળ્યો છે.

ગત તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ રાત્રીના સમયે ૧૮૧ અભયમની ટીમ દ્વારા એક અત્યંત ગંભીર હાલતમાં રહેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, તાપી ખાતે આશ્રય અર્થે લાવવામાં આવી હતી. તેઓ છેલ્લાં અઢી મહિનાથી નાહ્યા ન હોવાથી શારીરિક રીતે અત્યંત અસ્વસ્થ અને દયનીય હાલતમાં હતા. સાથોસાથ, ઘણા દિવસોથી ભૂખ્યા હોવાના કારણે તેમની તબિયત ખૂબ જ નાજુક બની હતી.

મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીત તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર, કેસ વર્કર અનુરાધાબેન અને સ્ટાફ દ્વારા તાત્કાલિક મહિલાની કાળજી લેવામાં આવી હતી. તેમને નવડાવી, સ્વચ્છ કરી તાત્કાલિક તબીબી તથા મનોચિકિત્સકની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સારવાર બાદ તબિયતમાં સુધારો આવ્યો પરંતુ કાઉન્સેલિંગ કરવા છતાં મહિલા બોલી શકતા ન હોવાથી તથા લખાણના આધારે તેઓ આદિવાસી ગામીત સમાજના અને સોનગઢ તાલુકાના હોવાની જાણકારી મળી હતી. આ માહિતીના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનના જમાદાર ધર્મેશભાઈ ચૌધરી અને સખી સેન્ટરની ટીમે તપાસ આદરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાના પોતાના કોઈ નજીકના સ્વજન નથી, પરંતુ તેમના મોસાળ પક્ષે મામાના દીકરાનો સંપર્ક થયો હતો. તેમણે મહિલાની સંભાળ લેવાની તૈયારી દર્શાવતા અને મોસાળમાં તેમનું અલગ ઘર હોવાથી ત્યાં સુરક્ષિત રીતે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.

માત્ર ૫ દિવસના ટૂંકા ગાળામાં પોતાના સ્વજનને સહીસલામત પાછા મેળવીને પરિવારજનો અત્યંત ભાવુક થઈ ગયા હતા અને સખી વન સ્ટોપ સેન્ટર તથા જિલ્લા વહીવટી તંત્રની આ નિઃસ્વાર્થ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *