રસ્તા પર ભટકતી માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ બારડોલી ટીમ

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૭. મુશ્કેલીમાં મુકાયેલી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં રહેલી મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન, બારડોલી ટીમ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કામગીરી કરવામાં આવી હતી. જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર ભટકી રહી છે અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાઈ રહી છે. માહિતી મળતાની સાથે જ 181 અભયમ બારડોલી ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ વનિતાબેન ચૌધરી અને પાયલોટ નીરવભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ટીમ દ્વારા મહિલાની સાથે શાંતિપૂર્ણ અને સંવેદનશીલ રીતે વાતચીત કરી તેમની ઓળખ, રહેઠાણ તથા પરિવાર અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મહિલા પોતાનું નામ, સરનામું કે પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપી શકતા ન હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા મહિલાની સુરક્ષા અને ગૌરવને પ્રાથમિકતા આપી કોઈપણ પ્રકારનું દબાણ કર્યા વિના જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા અસુરક્ષિત પરિસ્થિતિમાં હોવાથી તેમની સલામતી અને જરૂરી સંભાળને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમ દ્વારા નજીકના યોગ્ય આશ્રયગૃહ સાથે તાત્કાલિક સંકલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાને સુરક્ષિત રીતે આશ્રયગૃહમાં ખસેડવામાં આવી હતી અને તેમની જરૂરી સંભાળ તથા સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
181 અભયમ બારડોલી ટીમની આ કામગીરી માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સમયસર સુરક્ષા, સહાય, કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે 181 અભયમ ટીમ સતત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
