તાપી બાગાયત વિભાગ દ્વારા સિંગપુર (ઉકાઈ) ખાતે પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે ખેડૂત શિબિર યોજાઈ

બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતી, ઓઇલ પામ વાવેતર અને વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને અપાયું માર્ગદર્શન
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.28. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિંગપુર ગામે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, તાપી દ્વારા તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી ખેડૂત શિબિર તથા ઓઇલ પામ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી શ્રી ડી. એમ. રાઠોડ દ્વારા બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે ખેડૂતોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ બાગાયતી પાકોના ઉત્પાદન અને આવકમાં વધારો કરવા અપીલ કરી હતી.
આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યા દ્વારા મુખ્ય બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આધુનિક વ્યવસ્થાપન તેમજ પ્રાકૃતિક ખેતીના લાભો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઓઇલ પામ સ્ટેટ હેડ શ્રી અમિતભાઈ રામોલીયાએ ઓઇલ પામના વાવેતરની વધતી સંભાવનાઓ, બજાર વ્યવસ્થા અને ખેડૂતોને મળતા આર્થિક લાભો વિશે માહિતી આપી હતી. જ્યારે PMFME યોજનાના પ્રતિનિધિ શ્રી કેયુર પટેલએ ખેડૂતોને યોજના હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઈ કૃષિ આધારિત મૂલ્યવર્ધન અને સ્વરોજગારના અવસરોનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.
આ ઉપરાંત આત્મા યોજનાના BTM દ્વારા પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ટકાઉ કૃષિ પદ્ધતિ તેમજ રાસાયણિક ખર્ચમાં ઘટાડો કરીને પર્યાવરણમૈત્રી ખેતી અપનાવવાના વિવિધ પાસાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી શિવરામભાઈ વસાવા, ઉકાઈ તાલુકા પ્રમુખ શ્રી વિક્રમભાઈ એસ. ગામીત, સરપંચ શ્રીમતી સંગીતાબેન ગામીત, તાલુકા પંચાયત સભ્ય શ્રી સંજયભાઈ ગામીત સહિત આશરે ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન માટે મદદનીશ બાગાયત નિયામકશ્રી એચ. આર. પુરોહિત, ઉકાઈના બાગાયત અધિકારીશ્રી તથા તેમની સમગ્ર ટીમે આયોજન અને સંકલનની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.
આ શિબિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ઓઇલ પામની વ્યાવસાયિક ખેતી અને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થતાં તેઓમાં નવી ટેક્નોલોજી અને ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરણા મળી હતી.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
