ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની 101મી વાર્ષિક સાધારણ સભા મળી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૧. ધી ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની 101 મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીનાં વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, મંડળીનાં કારોબારી સભ્યો, સભાસદ શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત નિવૃત્ત શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સભાની શરૂઆતમાં તાજેતરમાં મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને 2025/26 નું પુંજી-દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. નફાની વહેંચણી ડિવિડન્ડ પર 10 ટકા જ્યારે બચત થાપણ પર 6 ટકા પ્રમાણે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખસ્થાનેથી મંડળીની સ્થાપનાનાં ભૂતકાળનાં દિવસોને વાગોળી જણાવ્યું હતું કે સભાસદોનાં સહકાર, સંચાલકોની સેવા, સાથે જ ઈશ્વરનાં આશીર્વાદ અને પરસ્પરનાં સંકલન થકી આપણી મંડળી અપેક્ષિત પ્રગતિ કરી શકી છે, જેમાં કોઈ બેમત નથી. તેમણે આગામી દિવસોમાં આજ રીતે મંડળી સભાસદ ભાઈ-બહેનોનાં હિતમાં પારદર્શક રીતે વહીવટ કરતી રહે તે અંગેની વાત રજૂ કરી હતી જેને સૌએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી.
મંડળીની પરંપરા મુજબ આ સભામાં ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સભાસદ ભાઈ-બહેનોનાં દીકરા-દીકરીઓ કે જેમણે એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમને રોકડ રકમ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોનાં હિતનો ભાવ વ્યક્ત કરી આભારવિધિ મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે આટોપી હતી. સભાને સફળ બનાવવા બીજા જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
