વ્યારાના તાડકુવા ગામની મુલાકાત લઈ વિકાસકામોની સમીક્ષા કરતાં તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

શિક્ષણ, પોષણ અને ગ્રામીણ વિકાસના કાર્યોનું પ્રત્યક્ષ મૂલ્યાંકન કર્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારે વ્યારા તાલુકાના તાડકુવા ગામની મુલાકાત લઈને ગ્રામ પંચાયત કચેરી, સરકારી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી, શૈક્ષણિક અને લોકકલ્યાણના કાર્યોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાતના પ્રથમ તબક્કામાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી તાડકુવા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંચાયતના છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ કલેક્ટરશ્રીએ તાડકુવા સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી તેમણે વર્ગખંડમાં જઈને બાળકોના શૈક્ષણિક સ્તરનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓની વાંચન શૈલી, ગણન (ગણિત) ક્ષમતા અને લેખન કૌશલ્યની જાતે ચકાસણી કરી હતી.
પોષણ અને બાળ કલ્યાણ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા કલેક્ટરશ્રી તાડકુવા આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રની સ્વચ્છતા અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું હતું. ખાસ કરીને સરકારશ્રીની મહત્વકાંક્ષી ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત બાળકોને નિયમિત રીતે પૌષ્ટિક દૂધ અને અન્ય યોજનાકીય લાભો પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તેની ઝીણવટભરી વિગતો મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ અત્યંત સંવેદનશીલતા દાખવી આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે બેસીને સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો, જેથી કેન્દ્રનું વાતાવરણ આનંદમય બની ગયું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
