કોવિડ –૧૯ મહામારી કાળમાં બાળકોનાં શિક્ષણ સંદર્ભે ઓનલાઈન અભ્યાસ
શ્રી જ. ભ. અને સા. આ. સાર્વ. હાઈ., વ્યારાના જીવવિજ્ઞાન વિભાગના શિક્ષિકાશ્રી ડૉ . કેતકીબેન શાહે “કોવિડ –૧૯ મહામારી કાળમાં બાળકોનાં શિક્ષણ અંગે વાલીઓની મનઃસ્થિતિ” વિષય પર સંશોધાત્મક અભ્યાસ રજૂ કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશભરમાં કોરોનાકાળ ના અનલોક –૧ દરમ્યાન જનજીવન ધીમે ધીમે વ્યવસ્થિત થતું જાય છે, છતાં લોકમાનસ પરથી કોરોના વાઈરસનો ડર હજી સંપૂર્ણ દૂર થયો નથી, જેથી આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, અભ્યાસ અનુસાર આ કપરાકાળમાં ૯૫% જેટલા વાલીઓ ને પોતાના બાળકના અભ્યાસની ચિંતા સતાવે છે, છતાં ૮૭ % જેટલા વાલીઓ કોરોના કાળમાં શાળાઓ ખોલવા સહમત નથી તેમજ તેમના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી.
શ્રી ૨. ફ . દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ. ભ. અને સા. આ. સાર્વજનિક હાઈસ્કુલ, વ્યારાના જીવવિજ્ઞાન વિભાગના શિક્ષિકાશ્રી ડૉ . કેતકીબેન શાહે “કોવિડ –૧૯ મહામારી કાળમાં બાળકોનાં શિક્ષણ અંગે વાલીઓની મનઃસ્થિતિ” વિષય પર દક્ષિણ ગુજરાતની જુદી જુદી સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાના બાળકોના ૧૫૦ વાલીઓના પ્રતિભાવને આવરી લઈ સંશોધાત્મક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં વાલીઓની અનલોક-૧ દરમ્યાન કોવિડ –૧૯ની જાણકારી તથા બાળકોના ઓનલાઈન અભ્યાસ અંગેના પ્રશ્નો પૂછયા હતાં. ૯૮% વાલીઓ તેમજ તેઓના બાળકો કોવિડ –૧૯ વિશેની જાણકારી તથા તેના બચાવની સમજ ધરાવે છે . ૯૫% વાલીઓને પોતાના બાળકોના અભ્યાસની ચિંતા છે, છતાં ૮૭% વાલીઓ કોરોનાકાળ દરમ્યાન શાળાઓ ખોલવા તથા તેમના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી.
બાળકોના ઓનલાઈન શિક્ષણ અંગેના સર્વે પરથી માલૂમ પડયુ કે ૩૭% વાલીઓ ઓનલાઈન શિક્ષણના હિમાયતી નથી અને તેમને ઓનલાઈન શિક્ષણ પ્રત્યે શંકા છે, ૧૮% જેટલા વાલીઓ ઓનલાઈન શિક્ષણમાં બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરવા સક્ષમ નથી, તો કેટલાંક વિસ્તારમાં નેટવર્કની સુવિધા પણ નથી અને ૩% વાલીઓ પાસે ટી.વી. કે સ્માર્ટ ફોનની સુવિધા નથી, ૭૨% જેટલા વાલીઓ એવું માને છે કે ઓનલાઈન શિક્ષણથી બાળકોને ભવિષ્યમાં શારીરિક તેમજ માનસિક નુકસાન પણ થઈ શકે.
શાળામાં કોવિડ –૧૯ નું સંક્રમણ ન થાય તે અંગેની તમામ તકેદારી લેવામાં આવે તો ૮૯% વાલીઓ તેમના બાળકો ને શાળાએ મોકલવા તૈયાર છે.
કોવિડ –૧૯ અંગે ૯૮%. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ હોવાથી બાળકોના અભ્યાસને ધ્યાને લઈ ગ્રીન ઝોનમાં શાળાઓ ખોલવા સંદર્ભે નિર્ણયો લેવા જોઈએ. કોવિડ ૧૯ ના સંક્રમણથી બચી શકાય તે અંગેની તમામ તકેદારી સાથે તબક્કાવાર શાળાના વિવિધ વર્ગોનું શિક્ષણ કાર્ય કરી શકાય. વહી ગયેલા સમયના અભ્યાસક્રમને ન્યાય આપવા દીવાળી વેકેશન ઘટાડી શકાય તથા અભ્યાસક્રમમાં ઓછી મહત્ત્વની બાબતોને આ વર્ષ પુરતુ દૂર કરી શકાય .