૨૦૧૦ પહેલાનાં સેવારત શિક્ષકો માટે TET ફરજિયાતનાં નિર્ણયનાં વિરોધમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ધરણાં કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય અનુસાર ૨૦૧૦ પહેલાં નિમણૂક પામેલા સેવારત શિક્ષકો માટે તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૮ સુધીમાં TET ફરજિયાત પાસ કરવાનાં નિર્ણયનાં વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ AIPTF દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની હાકલ કરવામાં આવી છે. આ આંદોલનનાં ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧/૦૭/૨૦૨૬ ને શનિવારનાં રોજ બપોરે ૨:૦૦ થી ૫:૦૦ કલાક દરમિયાન સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ધરણાં કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓને આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોને ઉપસ્થિત રાખવા અપીલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં નિર્ણયને અનુસરીને ગુજરાતનાં સેવારત શિક્ષકો પોતાનાં હક માટે એકજૂટ થઈને આ આંદોલનમાં જોડાશે. ટૂંકમાં આ ધરણાં કાર્યક્રમને સફળ બનાવી તેનાં થકી સરકાર સમક્ષ શિક્ષકોની રજૂઆતો મૂકવામાં આવશે.એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
