પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી દ્વારા ઉચ્છલના માણેકપુર ગામની વિશેષ મુલાકાત

પ્રગતિશીલ ખેડૂત રતિલાલભાઈ વસાવાના મોડેલ ફાર્મની વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિથી પ્રભાવિત થયાં
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.30. – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના છેવાડાના ખેડૂતો પણ રાસાયણિક ખાતરો મુક્ત પરંપરાગત ખેતી તરફ વળે અને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ આજે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની વિશેષ મુલાકાત લઈને પંથકમાં થતી પ્રાકૃતિક ખેતીનું સ્થળ પર ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ માણેકપુર ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી રતિલાલભાઈ વસાવાના મોડેલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. રતિલાલભાઈ દ્વારા પોતાના ખેતરમાં અપનાવવામાં આવેલી અદભુત અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ જોઈને કલેક્ટરશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમની આ સફળતાને બિરદાવી હતી.
આ ઉપરાંત, તેમણે વિસ્તારના અન્ય એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની પણ મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કલેક્ટરશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેના તેમના અનુભવો, પડકારો અને હકારાત્મક પ્રતિભાવો જાણીને વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કલેક્ટરશ્રીની મુલાકાત વેળાએ પ્રોબેશનરી નાયબ કલેક્ટર અને ઉચ્છલ મામલતદારશ્રી શુભમસિંગ રાઠોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
