ઉચ્છલ તાલુકામાં રમતગમત વિભાગના અંડર સેક્રેટરી કિનલ ડી. ખરાડીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

અંડર સેક્રેટરીશ્રી ખરાડીએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી એસએમસી અને શાળા સંચાલક મંડળ સાથે યોજી સમીક્ષા બેઠક
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.23. – તાપી જિલ્લામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭’ ના શૈક્ષણિક મહાપર્વ અંતર્ગત ઉચ્છલ તાલુકામાં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અંડર સેક્રેટરી કિનલ ડી. ખરાડીએ ઉત્સાહભેર સહભાગી થઈને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
અંડર સેક્રેટરીશ્રી ખરાડીએ ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા-ગવાણ, માધ્યમિક શાળા-ગવાણ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ-મોહિનીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે આંગણવાડીના કુલ ૨૩, બાલવાટિકાના કુલ ૨૦, ધોરણ-૯ માં કુલ ૫૩ તેમજ ધોરણ-૧૧ માં કુલ ૫૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સીઈટી (CET) અને એનએમએમએસ (NMMS) સહિતના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળાઓના વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્રે ઉદાર હાથે મદદ કરનાર દાતાશ્રીઓ તેમજ સ્થાનિક શ્રેષ્ઠીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો.
અંડર સેક્રેટરીશ્રી કિનલ ડી. ખરાડીએ શાળા પરિસરની મુલાકાત લઈને શૈક્ષણિક સુવિધાઓ નિહાળી હતી. ત્યારબાદ તેમણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) અને શાળા સંચાલક મંડળના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને ગ્રામ્ય સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે પરામર્શ કર્યો હતો. પર્યાવરણ જતનના સંદેશ સાથે અંડર સેક્રેટરીશ્રી અને મહાનુભાવોના હસ્તે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
