રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે ભવ્ય સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સોનગઢ નગરપાલિકા ખાતે વિઠ્ઠલ રૂક્મિણી મંદિર પરિસર અને મહાપુરુષોની પ્રતિમાઓ ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ, દ્રઢ અને લોકાભિમુખ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા ખાતે રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષનો કાર્યકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યો છે. સેવાના આ મહોત્સવને ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે આપણે આપણા ધાર્મિક અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ. વિઠ્ઠલ રૂક્મિણી મંદિર પરિસરમાં યોજાયેલી આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેતા, આપણા રોજિંદા જીવનનો હિસ્સો બને તે જરૂરી છે.
આ ઉજવણી અંતર્ગત સોનગઢ નગરપાલિકાના પવિત્ર યાત્રાધામ એવા શ્રી વિઠ્ઠલ રૂક્મિણી મંદિર તેમજ મંદિરની આસપાસના જાહેર માર્ગો પરથી કચરાનો નિકાલ કર્યો હતો. ઉપરાંત, આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સોનગઢ નગરમાં સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજી, અખંડ ભારતના ઘડવૈયા એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર,ભગવાન બિરસા મૂંડાજી સહિતના તમામ મહાપુરુષોની પ્રતિમાઓ ખાતે પણ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ડૉ. જયરામભાઈ ગામીત અને ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા તમામ મહાપુરુષોની પ્રતિમાઓને જળાભિષેક કરીને ભાવપૂર્વક પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી હતી. પ્રતિમાઓની આસપાસના સમગ્ર પરિસરને સાફ-સુથરું કર્યા બાદ, તમામ મહાનુભાવોને આદરપૂર્વક ફૂલહાર ચડાવી ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ને સાર્થક કરતા આ કાર્યક્રમમાં ડૉ. જયરામભાઈ ગામીતે પોતે હાથમાં સાવરણી પકડીને શ્રમદાન કર્યું હતું અને ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી હતી.આ સ્વચ્છતા ઝુંબેશમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, મંદિર સમિતિના સભ્યો જોડાયા હતા.
કેન્દ્ર સરકારની ૧૨ વર્ષની ઐતિહાસિક ઉપલબ્ધિઓને બિરદાવવા અને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિક સ્તરે ભારે લોકજાગૃતિ જગાવી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
