ઉચ્છલ-નિઝરના મુખ્ય માર્ગ પર આવેલ રાનકા નદી પર રૂ. ૩૨.૮૬ કરોડના ખર્ચે બનનારા ફોર-લેન બ્રીજનું રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે (SH-80) પર રાનકા નદી (ભીલભવાલી) ખાતે રૂ. ૩૨.૮૬ કરોડના ખર્ચે બનનારા નવા માઇનોર બ્રીજનું રવિવારે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું.
વર્ષ ૧૯૭૨માં બનેલો હયાત બ્રીજ આશરે ૫૪ વર્ષ જૂનો અને માત્ર ૭.૩ મીટર પહોળો હોવાથી વાહનવ્યવહાર માટે ખૂબ સાંકડો પડતો હતો. ભવિષ્યની ટ્રાફિક સમસ્યાના નિવારણ અને સ્થાનિકોની સુવિધા માટે આ સ્થાને આધુનિક ફોર-લેન બ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેની કામગીરી એમ.એમ.સી. પ્રોજેક્ટ દ્વારા ૧૨ માસની સમય મર્યાદામાં (તા. ૦૧-૦૫-૨૦૨૬ થી ૩૦-૦૪-૨૦૨૭) પૂર્ણ કરવામાં આવશે.
આ નવા પ્રોજેક્ટ અંતર્ગત ૩૦ મીટરના ૨ સ્પાન સાથે કુલ ૬૦ મીટર લંબાઈ અને ૧૭.૩ મીટરની કુલ પહોળાઈ ધરાવતો સુવિધાજનક બ્રીજ તૈયાર કરવામાં આવશે, જેમાં ૭.૫ મીટરના ૨ કેરેજ વે (૪ લેન) ઉપલબ્ધ બનશે. આ બ્રીજ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતો હોવાથી તેની બંને બાજુએ આશરે ૧.૦૦ કિમીના એપ્રોચ રોડનું પણ વિશેષ આયોજન છે. આ અંતર્ગત નિઝર તરફ આશરે ૨૪૫.૭૫ મીટર અને ઉચ્છલ તરફ ૨૬૩.૭૦ મીટર લંબાઈના એપ્રોચ રોડનું નિર્માણ કરીને તેને મુખ્ય માર્ગ સાથે જોડવામાં આવશે.
ઉચ્છલ-નિઝર રોડ એ કોર નેટવર્ક સાથે જોડાયેલો વિસ્તારનો એક અત્યંત મહત્વનો ભાગ હોવાથી આ નવો ફોર-લેન બ્રીજ કાર્યરત થતાં જ વાહન-વ્યવહાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આ બ્રીજના નિર્માણથી સુરત, તાપી અને આસપાસના વિસ્તારોમાંથી આવતા-જતા હજારો વાહનચાલકોના સમય અને ઇંધણની મોટી બચત થશે. આ સાથે જ વર્ષો જૂના સાંકડા બ્રિજના કારણે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને અકસ્માતની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
