તાપી જીલ્લામાં કેન્સર કેર યુનિટ માટે ૧૨ કરોડનું અભૂતપૂર્વ દાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અરૂલા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ અને તેના દ્વારા સંચાલીત સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ના ગૌરવપૂર્ણ ૨૫ વર્ષ પૂરા થતાં તે નિમિત્તે એક ઋણ સ્વીકાર અને અભિવાદનનો સફળ કાર્યક્રમ કોલેજના કેમ્પસમાં યોજાઈ ગયો. ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ પ્રફુલ્લભાઈ પાનશેરીયા તથા શ્રી જયરામભાઈ ગામીતના શુભેચ્છા સાંનિધ્ય સાથે વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સીટીના પ્રોવેષ્ટ શ્રી દક્ષેશભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થયો. આ સમારોહમાં ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા વ્યારામાં કેન્સર કેર યુનિટ સ્થાપવાની જાહેરાત થઈ અને અમેરિકા સ્થિત શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતિ રીકાબેન શાહ (સર્વ મંગલ ફેમીલી ટ્રસ્ટ) વિડીયો કોન્ફોરન્સથી હાજર રહી આ નવા પ્રકલ્પ માટે લગભગ ૭ કરોડ રૂપિયાનું મસમોટું દાન જાહેર કર્યું. સાથે સાથે સમારંભમાં ઉપસ્થિત મુંબઈના કવેસ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને દાનવીર શ્રી અજયભાઈ શેઠ અને શ્રીમતિ બીનાબેન શેઠ એમાં બીજા પાંચ કરોડ ઉમેરવાની જાહેરાત કરી સોનામાં સુગંધ ઉમેરી. અમેરિકા સ્થિત ડૉ.નિતિનભાઈ શાહ કે જેઓ દર વર્ષે વ્યારાની કાળિદાસ હોસ્પિટલમાં વિનામુલ્ય સર્જીકલ ઓપરેશનનું આયોજન કરે છે તેઓએ આ સમગ્ર આયોજન વિશે માહીતી આપી અને કેન્સર કેર યુનિટ માટે અનુદાન મેળવી આપ્યું અને પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું. દાનવીર શ્રી અજયભાઈ શેઠ પણ સંસ્થાના કાર્યને બીરદાવી દાનનો મહિમા સમજાવ્યો હતો.ડૉ.નિતિનભાઈ/ક્રીનાબેન શાહનું સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને આખો પ્રસંગ દીપી ઉઠયો હતો. વ્યારાનાં વતની અને અમેરિકા સ્થીત શ્રી નવીનભાઈ ભીખુભાઈ પટેલે પણ આ પ્રકલ્પ માટે ૧૫ લાખના દાનની જાહેરાત કરી હતી.
આમ તાપી જીલ્લામાં અને ખાસ કરીને વ્યારા નગરમાં આવુ ૧૨ કરોડ જેટલી રકમનું દાનની જાહેરાત થઈ તે અભૂતપૂર્વ અને આનંદદાયક ઘટના છે. આ સૂચીત નવો પ્રકલ્પ કેન્સર કેર યુનિટ સમગ્ર તાપી જીલ્લાના ગરીબ અને સામાન્ય લોકો માટે ભવિષ્યમાં ખૂબ ઉપકારક સાબીત થશે.
શ્રી દક્ષેશભાઈ ઠાકરે ખૂબ જ સરસ અને પ્રસંગને અનુરૂપ ઉદ્દ્બોધન કરી પ્રેક્ષકોને મોહીત કર્યાં હતા. સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સ્ટાફના સભ્યોએ અથાગ મહેનતથી પ્રસંગને સફળ બનાવ્યો હતો. ડૉ.શેશા શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
