સોનગઢ ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં જાણે સાક્ષાત્ ‘સાઉથ આફ્રિકા’ ઉતરી આવ્યું
૨૨ દેશોમાં ડંકો વગાડનાર ભરૂચના સીદી કલાકારોએ સોનગઢમાં મચાવી ધમાલ
—
મોઢામાંથી નીકળ્યા અગનગોળા અને માથા પર ફૂટ્યા નાળિયેર – સાહસિક કરતબોથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ
—
તાપી જિલ્લામાં ૩૧મો રાજ્યકક્ષાનો આદિવાસી મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.6. :- તાપી જિલ્લાના સોનગઢમાં તા.૧૪-૧૫ માર્ચે આયોજિત ૩૧માં રાજ્યકક્ષાના આદિવાસી મહોત્સવમાં એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. મંચ પર ગુજરાતના નહીં પણ સાક્ષાત્ સાઉથ આફ્રિકાના કલાકારો આવ્યા હોય તેવો અહેસાસ થયો હતો. સદીઓ પહેલા આફ્રિકાના તટોથી સાત સમંદર પાર કરીને ભારત આવેલા અને ગુજરાતની માટીમાં રચીપચી ગયેલા આપણા સીદી ભાઈઓએ સોનગઢના મંચને આંતરરાષ્ટ્રીય સ્તરની ઉર્જાથી ભરી દીધું હતું. અહીં આવીને વસેલા મૂળ આફ્રિકાના આ કલાકારોએ સાબિત કર્યું કે ભલે તેઓ ગુજરાતના ભરૂચમાં વસે છે, પણ તેમના લોહીમાં આજે પણ આફ્રિકન લય ધબકે છે.
આ મહોત્સવમાં અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચથી આવેલા સીદી સમુદાયના કલાકારોનું ‘સીદી ધમાલ’ નૃત્ય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. આફ્રિકન લય અને ગુજરાતી મિજાજના સંગમ સમાન આ નૃત્યે સોનગઢના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ તકે આફ્રિકન મૂળના તથા ગુજરાતના ભરૂચ જિલ્લાના કલાકાર ઇમરાન સીદીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, સદીઓ પહેલા અમારા પૂર્વજો આ ભૂમિ પર આવીને વસ્યા હતા. આજે અમે અમારા એ ભવ્ય વારસાને જીવંત રાખવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમે વિશ્વના ૨૨ થી વધુ દેશોમાં અમારી કળા રજૂ કરી છે, પરંતુ આજે સોનગઢની આ પવિત્ર ભૂમિ પર અમને જે તક મળી છે તે અમારા માટે સાચે જ ગૌરવ સમાન છે.
ભરૂચના આ કલાકારોએ ઢોલના તાલે સ્ટેજ પર અદભૂત ઉર્જા સાથે નૃત્યની રજૂઆત કરી હતી. ખાસ કરીને જ્યારે કલાકારોએ મોઢામાં પ્રવાહી ભરીને હવામાં અગનગોળા જેવી આગની જ્વાળાઓ કાઢી અને હવામાં નાળિયેર ઉછાળીને તેને માથાથી ફોડવાના સાહસિક કરતબ જોઈને પ્રેક્ષકો અચંબિત થયા હતા. પરંપરાગત વેશભૂષા અને પશુ-પક્ષીઓના અવાજોની નકલ સાથેની તેમની પ્રસ્તુતિએ આદિવાસી સંસ્કૃતિની જીવંતતાના દર્શન કરાવ્યા હતા.
આ ટીમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓએ અત્યાર સુધીમાં વિશ્વના ૨૨ થી વધુ દેશોમાં આ નૃત્ય પ્રદર્શિત કર્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર ડંકો વગાડનાર આ કલાકારો જ્યારે સોનગઢના આંગણે પરફોર્મ કરવા ઉતર્યા ત્યારે તેમના અનુભવ અને કલાની પરિપક્વતા દરેક સ્ટેપમાં જોવા મળતી હતી. તેમની આ વૈશ્વિક ઓળખને કારણે જ પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહોત્સવના અંતે ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટ સાથે ભરૂચના આ કલાકારોને વધાવી લીધા હતા. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સીદી સમુદાયની વિસરાતી જતી કળાને નવું બળ મળે છે અને નવી પેઢીને પોતાના ભવ્ય વારસાની જાણકારી મળે છે. સોનગઢનો આ ૩૧મો આદિવાસી મહોત્સવ ભરૂચના સીદી કલાકારોની અદભૂત ધમાલને કારણે લાંબા સમય સુધી લોકોના માનસપટ પર યાદગાર બની રહેશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
