તાપી જિલ્લાના ૯૦,૭૬૭ ખેડૂત કુટુંબોના ખાતામાં પી.એમ. કિસાન યોજનાના ૨૨મા હપ્તા પેટે રૂ. ૧૯.૫૮ કરોડની સહાય જમા થઈ
છેવાડાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક રીતે સધ્ધર બને તે અમારું લક્ષ્ય છે – તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા
—
પરંપરાગત ધાન્યની વૈશ્વિક ઓળખનો શ્રેય ખેડૂતોને આપતા જિ.પં. પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા
—
ઉચ્છલ ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ મેળા’ની ભવ્ય ઉજવણી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13 :- ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સ્થિત સુમુલ ડેરી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ મેળા’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી જિલ્લાના ખેડૂતો માટે બેવડો આનંદનો અવસર છે. એક તરફ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સીધા ખેડૂતોના ખાતામાં સહાય જમા કરવામાં આવી છે, તો બીજી તરફ મિલેટ મેળા દ્વારા આપણા પારંપરિક ધાન્યને વૈશ્વિક ઓળખ મળી રહી છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય, યુવાનો, મહિલાઓની સાથે ખેડૂતોની સમૃદ્ધિ માટે પરિણામલક્ષી કામગીરી કરી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સાથે આ વિસ્તારના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
નોંધનીય છે કે, ‘પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ તાપી જિલ્લાના કુલ ૯૦,૭૬૭ ખેડૂત કુટુંબોને ૨૨મા હપ્તા પેટે કુલ રૂ. ૧૯ કરોડ ૫૮ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી જમા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯થી અમલી આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખેતીકામમાં આર્થિક ટેકો પૂરો પાડી તેમને સમૃદ્ધિ તરફ દોરી રહી છે.
નોંધનીય છે કે, ગુવાહાટી, અસમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરવાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો-ગ્રામજનોએ નિહાળ્યું હતું.
તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં ‘મિલેટ ડેવલપમેન્ટ યોજના’ હેઠળ આયોજિત મેળામાં વિવિધ પ્રદર્શનો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પોષણયુક્ત મિલેટ્સના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન વળવી, જિલ્લા પંચાયતના સભ્યો, અગ્રણીઓ, આમંત્રિતો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારની આ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
