વ્યારામાં ‘સ્વદેશી’ નો દબદબો : સખીમંડળની બહેનોએ ૧૦ દિવસમાં કર્યો ૨૨ લાખનો વેપાર
નાગલીના બિસ્કિટ અને લસણની ચટણી વેચી સોનગઢના રમાબેને મેળવી રૂ. ૨૫ હજારની આવક
—
વ્યારા નગરપાલિકાના સ્વદેશી મેળાથી મહિલાઓના આત્મવિશ્વાસમાં ઉત્સાહવર્ધન
—
મેળામાં મિલેટ્સ, વાંસની કલા, ઘરેલુ ઉત્પાદન મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26. :- વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો ૨૦૨૬’ ની સફળ પૂર્ણાહુતી થઈ હતી. આ મેળો સાચા અર્થમાં મહિલાઓનું આત્મવિશ્વાસમાં વધારો અને ઉત્સાહવર્ધન કર્યુ છે. “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ” ના મંત્રને સાર્થક કરતા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા સખીમંડળની બહેનોએ પોતાની અદભૂત વ્યાપારી સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો.
સોનગઢ તાલુકાના ટાપરવાડાના લીઝા સખીમંડળના પ્રમુખશ્રી રમાબેન ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, ૧૦ દિવસીય સ્વદેશી મેળામાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અહીં નાગલીના બિસ્કિટ, પાપડ, પાપડી, અથાણું અને લસણની ચટણી જેવી દેશી વાનગીઓનું મોટું વેચાણ થયું છે, જેનાથી અમને માત્ર ૧૦ દિવસમાં અંદાજે રૂ. ૨૦ થી ૨૫ હજારની આવક થઈ છે. આર્થિક પગભર થવા માટે અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, સખીમંડળની બહેનો દ્વારા માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં ૨૨ લાખ રૂપિયાથી વધુનો કરવામાં આવેલો વેપાર એ માત્ર આંકડો નથી, પરંતુ આપણી સ્થાનિક ચીજવસ્તુઓ પ્રત્યે લોકોના અતૂટ વિશ્વાસ અને બહેનોની મહેનતનું પરિણામ છે.
સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં લસણની ચટપટી ચટણી, સ્વાદિષ્ટ અથાણાં, મિલેટ્સની મીઠાઈઓ અને પૌષ્ટિક નાગલીના પાપડ જેવા ચીજવસ્તુઓએ મુલાકાતીઓને ઘેલું લગાડ્યું હતું.
આજના સમયમાં જ્યારે શુદ્ધ આહારની માંગ વધી રહી છે, ત્યારે સખીમંડળની બહેનોએ તૈયાર કરેલી મિલેટ્સ (ધાન્ય) આધારિત વાનગીઓએ સાબિત કર્યું કે સ્વાદ અને સ્વાસ્થ્યનો સમન્વય ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.
વેપારની સાથે આ મેળો પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાવાનું માધ્યમ પણ બન્યો હતો. કેમિકલ મુક્ત કુદરતી કોસ્મેટિક્સ, જેમાં લીમડા, કેસુડા અને ચંદન જેવા તત્વોનો ઉપયોગ થયો હતો, તેની ભારે માંગ જોવા મળી હતી. આ ઉપરાંત, વાંસમાંથી કંડારેલી ઘર સુશોભનની યુનિક વસ્તુઓ અને આકર્ષક કલાવૃતિઓએ મેળાની શોભા વધારી હતી.
આ સ્વદેશી મેળો સખીમંડળની બહેનો માટે આત્મવિશ્વાસ અને મહિલાઓના સશક્તિકરણને સુનિશ્ચિત કરી રહ્યાં છે. તા.૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી ૧૦ દિવસીય આ મેળામાં લોકોએ જે રીતે સ્વદેશી વસ્તુઓને અપનાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, તે જોતા ભવિષ્યમાં આવા આયોજનો સ્થાનિક કારીગરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને સ્વદેશીનો પાયો વધુ મજબૂત બનાવશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
