રાજ્યના વિકાસ કમિશનરશ્રી હિતેશ કોયા તાપી જિલ્લાની મુલાકાતે
૧૫માં નાણાપંચ અને સ્વચ્છતા અભિયાનના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા શ્રી કોયા
—
(પ્રતિનિધિ દ્રારા, વ્યારા) : તા. 13 :- રાજ્યના વિકાસ કમિશનરશ્રી હિતેશ કોયાએ શુક્રવારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે વિકાસલક્ષી કામોની સમીક્ષા અર્થે વિશેષ મુલાકાત લીધી હતી.
શ્રી કોયા દ્વારા ગામમાં કાર્યરત વિવિધ સરકારી યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ૧૫માં નાણાપંચ હેઠળ થયેલા વિકાસકામો અને સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત ગામની સફાઈ વ્યવસ્થા અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિકાસ કમિશનરશ્રીએ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા નાણાકીય આયોજન અને અમલીકરણની પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન શ્રી કોયાએ ગડત ગામના ‘જાગૃતિ સખી મંડળ’ ની મુલાકાત લીધી હતી. આ મંડળની પાંચ બહેનોએ મનરેગા યોજના અંતર્ગત મળેલા વર્મી કમ્પોસ્ટ બેડ દ્વારા ખાતર બનાવીને આજીવિકા મેળવવાની સરાહનીય કામગીરી કરી છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તથા સીએસઆર ફંડ હેઠળ તૈયાર થયેલ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, ચાઈલ્ડ મેલ્નુરેશન ટ્રિટમેન્ટ સેન્ટર વગેરેની મુલાકાત કરી હતી.
વ કાસ કમિશનરશ્રી કોયાએ જૂથના પ્રમુખ લીલાબેન સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિયામકશ્રી (DRDA) એ પણ બહેનોને આજીવિકા વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ, ઉચ્ચ અધિકારીઓની આ મુલાકાતથી ગામના વિકાસકામોને નવું બળ મળ્યું છે.
આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, ડીઆરડીએ નિયામકશ્રી ખ્યાતિ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
