“કોરોના” ની સાઈડ ઇફેક્ટ : જિંદગી ઇન, ડર આઉટ

Contact News Publisher

“વારલી પેઇન્ટિંગ”ના માધ્યમથી “કોરોના” અને “લોકડાઉન”ની સમગ્રતયા સ્થિતિનું ચિત્રાંકન કરતા પાઠકવાડી ગામના કલાકાર 

“હારશે કોરોના, જીતશે ગુજરાત” નો મુક સંદેશ આપતુ “વારલી પેઇન્ટિંગ” બન્યું લોકાર્ષણનું કેન્દ્ર 

(અહેવાલ : મનોજ ખેંગાર)  : કોરોના”ના કહેરને લઈને દેશ ભરમાં કરાયેલા “લોકડાઉન” ને કારણે દરેક વ્યક્તિને પોતાના માટે, પોતાના પરિવારને માટે, અને પોતાના ગમતા શોખ માટે અનાયાસે જ ભરપૂર સમય મળી રહ્યો. કેટલાક લોકોએ આ અણમોલ સમયને સજા તરીકે જોયો, તો કેટલાક લોકોએ આ સમયને પોતાની જાત સાથે વાત કરવાનો ઉત્તમ સમય મળ્યો હોવાનું માની, તેનો સદઉપયોગ પણ કર્યો.

વાત છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના એક કલાકારની, કે જેમણે “લોકડાઉન” ની આ અણધારી આફતને અવસરમાં પલટીને, તેનામાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી, વર્ષો જુના કલાકારને ફરીથી સજીવન કરીને, તેની અપ્રતિમ પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

પાઠકવાડી ગામના આ કલાશિક્ષકે “લોકડાઉન” ના સમયે પોતાના ઘરે આદિવાસી શૈલીના “વારલી પેઈન્ટીંગ” દ્વારા કોરોના વિષયે અદભુત ચિત્રાંકન કર્યું છે.

આ કલાકારે “કોવિડ-૧૯” ને કારણે ઉદભવેલી “જનતા કર્ફયુ” ની સ્થિતિથી લઇને “લોકડાઉન” સુધીની પરિસ્થિતનું “વારલી પેઈન્ટીંગ”ના માધ્યમથી અદભૂત સર્જન કરી, સરકારના તમામ દિશા-નિર્દેશને કલાત્મક ચિત્રમાં કંડારી સહેલાણીઓ માટે અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું છે.

સરકાર દ્વારા આ સમયે લેવાયેલા અસરકારક પગલાનું વર્ણન કરતા શ્રી તુલસીદાસ એલ.પટેલ નામના આ કલાકાર, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના રહીશ છે. તેઓ હાલ જીવનભારતી વિદ્યાલય, કુમાર ભવન, સુરત ખાતે ચિત્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે. આદિવાસી શૈલીની વારલી પેઈન્ટીંગ કલાના માધ્યમથી તેમણે તેમના “તુલસી વન” નામના ઘરની દીવાલો ઉપર તેમના વિચારો રજૂ કર્યા છે.

આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. સમગ્ર દેશના જુદા જુદા વિસ્તારોમાં વસેલા આદિવાસી લોકો પોતાની અદભૂત પારંપરિક સંસ્કૃતિ ધરાવે છે. હંમેશા પ્રકૃતિ સાથે તાણાવાણાની જેમ વણાયેલા આદિવાસી લોકો નૃત્ય, કલા, સંગીત જેવા અનેક ક્ષેત્રે વૈવિધ્યતા ધરાવે છે. પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોની પારંપરિક શૈલીમાં દરેક જગ્યાએ પ્રકૃતિની ઝાંખી થાય છે. આવી જ એક દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોની કલા વારલી પેઈન્ટીંગ પણ જગવિખ્યાત છે.

દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા પાઠકવાડી ગામના આ કલાશિક્ષકે, લોકડાઉનના માહોલમાં નવરાશની પળોમાં પોતાના પત્ની પ્રીતિબહેન તથા તેમના સંતાનો ક્રિશ અને દેવની સાથે પોતાના જ ઘરની દિવાલો ઉપર “કોરોના”ના કારણે ઉભી થયેલી પરિસ્થિતનું સમગ્ર વર્ણન ચિત્ર સ્વરૂપે કર્યું છે. જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

પ્રિયદર્શીની ફાઇન આર્ટસ કોલેજ, માંડવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા તુલસીદાસભાઈ ઉર્ફે રાકેશભાઇએ જણાવ્યું કે, સૌપ્રથમ માટી, છાણ અને ડાંગરની કુસકી લઇને ગારો તૈયાર કરી, અમે અમારા ઘરને લીપણ કરી દીધું. ત્યારબાદ માટી કલર (ચુનો)ના ઉપયોગથી “કોરોના”ની લોકજીવન ઉપર થયેલ અસરો, અને સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

“કોરોના” આધારિત ચિત્રોમાં ગામડાઓ અને શહેરી વિસ્તારમાં લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિનું વર્ણન છે. ધંધા-રોજગાર બન્ધ થતા શ્રમિકો, કારીગરો પોતાના વતન તરફ હિજરત કરી ગયા. આવા સમયે અકસ્માત પણ થયા, અને લોકો હેમખેમ પોતાના વતન પણ પહોંચ્યા.

સરકારશ્રીના દિશા-નિર્દેશ દ્વારા કોરોનાથી બચવાના ઉપાયો તરીકે મોં પર માસ્ક બાંધવો, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન તથા વાહન વ્યવહાર અટકી જતા પ્રદુષણમાં થયેલો ઘટાડો, સાથે સાથે કોરોના સામે જંગ લડવા આરોગ્ય, પોલીસ, સફાઇ કામદાર, ફાયર બ્રીગેડ તથા જિલ્લા વહીવટીના તંત્રના તમામ ફરજ બજાવતા “કોરોના વોરિયર્સ”ને બિરદાવતુ શ્રીગણેશનું ચિત્ર, તથા માન.વડાપ્રધાન-શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જનતા કર્ફયુના દિવસે અનુરોધ કરાયો હતો કે, લોકોને બચાવનાર કોરોના વોરિયર્સનું શંખનાદ, થાળીવાદન, હાથમાં દિવો લઇ અભિવાદન કરવું. કે જેથી આવા કર્મયોગીઓમાં ઉત્સાહ વધે. આવા તમામ લોકોનું આકાશમાંથી વિમાન દ્વારા પુષ્પ વર્ષા કરી સન્માન કરાયું. આ તમામ ઉલ્લેખનિય બાબતોને આવરી લઇને ઘટનાઓનું અદભૂત ચિત્રાંકન અહીં કરવામાં આવ્યું છે.

ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં “કોરોના”ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનું “વારલી પેઈન્ટીંગ”ના માધ્યમથી ઉત્કૃષ્ટ ચિત્રોનું સર્જન કરવા બદલ, અને પાઠકવાડી ગામ તથા તાપી જિલ્લાનું ગૌરવ વધારનાર બદલ, આવો આપણે સૌ સાથે મળી આ કલાસર્જક શ્રી તુલસીદાસભાઇ કે જેઓ પણ યેનકેન પ્રકારે “કોરોના વોરિયર્સ” જ છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ.

પોતાની આગવી કળાના માધ્યમથી “હારશે કોરોના, જીતશે ગુજરાત”નો મુક સંદેશ આપતા આ કલાકારે સૌ પ્રજાજનોને ઘર બહાર નીકળી વેળા હમેશા માસ્કનો ઉપયોગ કરવા સાથે, દો ગજ કી દુરી, અને વારંવાર હાથ ધોવા બાબતે પણ તેમની કલાના માધ્યમથી સંદેશ પાઠવ્યો છે.

આ કલાકારનો સંપર્ક નંબર ૯૮૨૫૮ ૭૭૦૩૫ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *