સાચે જ “મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી”
રૂ. ૧૦૦/- નું રોકાણ ૮૦ દિવસની મહેનત અને રૂ. ૪૫૦૦૦/- ની ઉપજ
અહેવાલ : મનોજ ખેંગાર
વ્યારા: તા: ૨૩: માનવામાં નહિ આવે, પણ વાત છે સો ટકા સાચી. માત્ર રૂ. ૧૦૦/- નું રોકાણ, ૮૦ દિવસની મહેનત, અને રૂ. ૪૫૦૦૦/- ની ઉપજ કોઈ ખેડૂત મેળવે છે, એમ કહીએ તો આ વાત ઝટ ગળે નહિ ઉતરે, પણ આ વાત વ્યારા તાલુકાના ઉંચામાળા ગામના ધરતીપુત્ર જગદીશભાઈ ગામીતે તેમના ખેતરમાં સાબિત કરી બતાવી છે.
ઓર્ગેનિક ખેતી તરફ વળી રહેલા તાપી જિલ્લાના આ ખેડૂતને વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “બ્લેક રાઈસ” ની ખેતી માટે પ્રોત્સાહિત કરાયા. શરૂઆતમાં તો બીતા બીતા માંડ એક કિલો બિયારણ જ લઈ ગયા, તે પણ ફક્ત અખતરો કરવા માટે જ. રૂ.૧૦૦/- ના ભાવે ખરીદેલા આ બિયારણને માંડ એકાદ વિંઘા માં જ વાવી દઈને, ખેતીવાડી તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સતત ૮૦ દિવસ સુધી માવજત કરી. સો ટકા ઓર્ગેનિક ઢબે ૮૦ દિવસ બાદ તૈયાર થયેલા “કાળા ચોખા”નો ઉતાર આવ્યો અંદાજીત ૧૫૦ કિલો.
શુદ્ધ અને સાત્વિક અનાજ અને શાકભાજીના માર્કેટમાં આ “કાળા ચોખા” નો છૂટક વેચાણ ભાવ રૂ. ૩૦૦/- મળે છે. જે મુજબ ઊંચામાળાના આ ખેડૂતને તેના ઉપજમાંથી આવક થઈ રૂ. ૪૫૦૦૦/-. જેનાથી પ્રોત્સાહિત થઈને આ વખતે તેઓ કમસે કમ પાંચ કિલો બિયારણ વાવવાના છે તેમ તેમને ઉત્સાહભેર જણાવ્યું છે.
સ્વાદ, શુદ્ધતા, પોસ્ટિકતા, અને તેના ગુણધર્મોને કારણે “બ્લેક રાઈસ” ની જાગૃત નાગરિકોમાં ભારે માંગ રહે છે તેમ જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતિષભાઇ ગામીતે, તાપી જિલ્લામાં ઓર્ગેનિક ખેત પેદાશો તરફ ખેડૂતો વળી રહ્યા છે, તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી, અને જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંહ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ ને ખૂબ જ પ્રોત્સાહન આપવા સાથે, ખેડૂતોના ખેત પેદાશોના માર્કેટિંગ માટે પણ ખૂબ જ સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે, તેમ જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતિષભાઇ ગામીતે, તાપી જિલ્લામાં ૧૬૯ ખેડુતો દ્વારા ૮૮.૦૩ હેકટર વિસ્તારમાં સેન્દ્રીય ખેતી કરવામાં આવી રહી છે. જે આગામી દિવસોમાં તાપી જિલ્લાના ખેડૂતોની દશા, અને દિશા બદલી દેશે તેમ ઉમેર્યું છે.
(સંપર્ક સેતુ : શ્રી જગદીશભાઇ ઝીણાભાઇ ગામીત, મુ.પો. ઉંચામાળા, તા.વ્યારા, મોબાઈલ : ૮૭૫૮૯૫૪૯૯૭)