વ્યારા, સબસે ન્યારા : ગાર્બેજ ફ્રી ગુજરાતની દિશામાં વ્યારાની આગેકૂચ
આગામી દિવસોમાં વ્યારાવાસીઓને ₹ ૧૧ કરોડથી વધુના વિકાસકામોની ભેટ મળશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૪: કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ મંગળવારના રોજ શહેરોના ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગના પરિણામો જાહેર કર્યા હતાં. આ પહેલનો ઉદ્દેશ “સ્વચ્છ ભારત મિશન” હેઠળ ગાર્બેજ ફ્રી ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો છે.
આ સ્ટાર રેટિંગ ૨૫ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ્સના પેરામીટરની ચકાસણીના આધારે નક્કી કરવામાં આવ્યા છે.
જેમાં “ગાર્બેજ ફ્રી સીટી” માં વ્યારા શહેરને “વન-સ્ટાર રેટિંગ” મળ્યો છે. ગાર્બેજ ફ્રી સીટી સ્પર્ધામાં વ્યારા નગરપાલિકાને વન-સ્ટાર રેટિંગ મેળવામાં જેમનો સિંહ ફાળો છે, એવા તાપી જીલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી, ચીફ ઓફીસર શ્રી શૈલેષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી મહેરનોઝભાઈ જોખીને સમગ્ર નગરની જનતાએ અભિનંદન પાઠવ્યા છે.
અભિનંદનના સાચા અધિકારી વ્યારા શહેરની સ્વચ્છતાપ્રેમી જનતા પણ છે, તેમ જણાવતા નગરપ્રમુખ શ્રી મહેરનોઝભાઈ જોખીએ, નગરજનોના સાથ સહકાર થકી વ્યારા શહેરને વન સ્ટાર રેટિંગ મળ્યો છે, તેમ જણાવ્યું હતું. આજ રીતે ભવિષ્યમાં પણ નગર સુખકારીના કાર્યોમાં પ્રજાજનોનો સાથ સહકાર મળતો રહેશે, તેમ જણાવી આ સ્ટાર રેટિંગ મૂલ્યાંકન માટે દેશના ૧૪૩૫ શહેરો/નગરોએ ભાગ લીધો હતો, તેમ પણ શ્રી જોખીએ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.
આગામી દિવસોમાં વ્યારા નગરને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે (૧) ₹ ૪૯,૧૫,૯૩૭/- ના ખર્ચે શ્રી રામ તળાવમાં વોટર પાર્ક તૈયાર કરવાનું કામ, (૨) ₹ ૩૫,૧૪,૯૫૦/- ના ખર્ચે જુના બસ સ્ટેન્ડના રીનોવેશનનું કામ, (૩) ₹ ૧૦,૦૦,૦૦૦/- ના ખર્ચે જુના બસ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક તૈયાર કરવાનું કામ, (૪) ₹ ૨૩,૪૧,૭૯૨/- ના ખર્ચે ડો.શ્યામાપ્રસાદ કોમ્યુનિટી હોલની બહાર એલિવેશનનું કામ, (૫) ₹ ૧,૮૫,૦૦૦/- ના ખર્ચે સિનિયર સિટીઝન કલબ ખાતે માજી પ્રમુખશ્રીની અડધા કદની પ્રતિમા, (૬) ₹ ૮,૪૦,૦૦૦/- ના ખર્ચે આખા કદની ફાયબર મટિરિયલમા હનુમાનજીની પ્રતિમા, (૭) ₹ ૭,૫૦,૦૦/- ના ખર્ચે બ્રોન્ઝ મટિરિયલમા મહાત્મા ગાંધીજીની પ્રતિમા, (૮) ₹ ૧ કરોડના ખર્ચે વ્યારા નગરપાલિકા વિસ્તારમા વિવિધ ડામર રોડ, (૯) ₹ ૧ કરોડના ખર્ચે પેવર બ્લોકનુ કામ, (૧૦) ₹ ૬૩,૦૦,૮૯૭/- ના ખર્ચે તળાવ રોડ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, (૧૧) ₹ ૪૪,૯૬,૦૭૨/- ના ખર્ચે દાદરી ફળિયામા કોમ્યુનિટી હોલ બનાવવાનુ કામ, (૧૨) ₹ ૫૦ લાખના ખર્ચે વિવિધ વોર્ડમાં રસ્તા, પાણી અને લાઈટના કામ, (૧૩) ₹ ૫,૦૩,૯૬૫/- ના ખર્ચે બાળ સ્મશાનમા વરસાદી પાણીની પાઇપ લાઈનનું કામ, (૧૪) ₹ ૯,૭૪,૯૮૭/- ના ખર્ચે બાળ સ્મશાનમા લાયબ્રેરી પાસે રિટેઇનિંગ વોલ બનાવવાનું કામ, (૧૫) ₹ ૧૧,૪૯,૬૪૯/- ના ખર્ચે બાળ સ્મશાનમાં ઓફિસ, સિટિંગ એરિયા, શેડ, પાણીની પરબ બનાવવાનુ કામ, (૧૬) ₹ ૫,૧૪,૯૪૯/- ના ખર્ચે અંબિકાનગર ગાર્ડનમાં ગદા, તિર, અને બાણ મુકવાનું કામ, (૧૭) ₹ ૨૪,૧૨,૩૦૦/- ના ખર્ચે અંબાજી મંદિરની પાછળ સ્લેબ ડ્રેઇન બનાવવાનું કામ, અને (૧૮) ₹ ૨૪,૧૩,૩૦૦/- ના ખર્ચે વેગી ફળિયામાં આંગણવાડી પાસે સ્લેબ ડ્રેઇન બનાવવાનું કામ હાથ ધરી, વ્યારાને વધુ સુવિધાયુક્ત બનાવશે.
“કોરોના” ના કહેર વચ્ચે સર્જાયેલી ‘લોકડાઉન”ની પરિસ્થિતિ વચ્ચે નગર વિકાસના કુલ ₹ ૧૧,૪૦,૧૩,૭૯૮/- ના વિકાસ કામો અવરોધાયા હતા, જે હવે શરૂ થતા નગરના વિકાસને નવો વેગ મળશે એમ પણ પ્રમુખ શ્રી મહેરનોઝભાઈ જોખીએ વધુમાં જણાવ્યું છે.
–