તાપી જિલ્લામાં “કોરોના”ના વધુ બે પોઝેટિવ કેસો નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૩: તાપીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તાપી જિલ્લામાં આજે વધુ બે “કોરોના” પોઝેટિવ કેસો સામે આવ્યા છે.
જિલ્લાના પાંચમા કેસ તરીકે નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો, સોનગઢ નગરના મિસ્ત્રી ફળીયા ખાતે ૩૭ વર્ષીય ૠષિ પ્રકાશભાઈ બાગડે કે જેઓ તા.૨૦/૫/૨૯૨૦ ના રોજ લીંબાયત, સુરત ખાતેથી આવ્યા હતા. જેમને હોમ ક્વોરોન્ટાઇનમા રખાયા હતા. તા.૨૨/૫/૨૦૨૦ના રોજ મેડિકલ તપાસમાં તેમને શરદી અને તાવના લક્ષણો જણાતા “કોરોના” ટેસ્ટ માટેનું સેમ્પલ લેવાયું હતું. જેનો રિપોર્ટ આજે “પોઝેટિવ” આવવા પામ્યો છે.
આ ઉપરાંત તાપી જિલ્લાના છઠ્ઠા કેસની વિગતો જોઈએ તો હનુમાન ફળીયા ઉચ્છલ ખાતેની ૨૪ વર્ષીય યુવતી નામે કાહર રંજના કે જે ગત તા.૧૮/૫/૨૦૨૦ના રોજ ગોમતીપુર, અમદાવાદ ખાતેથી આવી હતી. જેમને પણ હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતા. આ યુવતીની પણ તા.૨૨/૫/૨૦૨૦ના રોજ મેડિકલ તપાસ કરતા તેમને તાવના લક્ષણો જણાય હતા. જેથી તેમનું પણ “કોરોના” ટેસ્ટ સેમ્પલ લેવાયું હતું. જેનો રિપોર્ટ પણ આજે “કોરોના” પોઝેટિવ આવ્યો છે.
આમ, તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નવા ત્રણ “કોરોના” પોઝેટિવ કેસો સામે આવતા, આરોગ્ય વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
–