આપત્તિને અવસરમાં ફેરવો – ડૉ. જી. આર. પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા – તાપી દ્વારા રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તા. ૨૨/૦૫/૨૦૨૦ના રોજ “જમીનની ચકાસણી અને તેનું મહત્વ” વિષય ઉપર ડાયલ-આઉટ કોન્ફરન્સથી ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલોડ, ડોલવણ, વ્યારા અને ઉચ્છલ તાલુકાના કુલ ૧૨ ગામોના ૧૮૮ ખેડૂત ભાઇઓ-બહેનોએ ઉત્સાહભેર ઘરબેઠાં ભાગ લીધો હતો.
તાલીમની શરૂઆતમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ શાબ્દિક સ્વાગત કરી તાલીમનો હેતુ સમજાવ્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. જી. આર. પટેલએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂત ઉપયોગી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. જી. આર. પટેલએ જણાવ્યું હતું કે, ખેતી માટે જમીન ખૂબ જ ઉપયોગી ઘટક છે. તેની જાળવણી અને તંદુરસ્તી ખૂબ જ અગત્યની છે. જેના માટે જમીન ચકાસણી કરાવીને ખેડૂત મિત્રો પોતાની જમીનમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ જાણી શકે છે અને તે પ્રમાણે ખેતી પાકોનું આયોજન કરી શકે છે. સાથે – સાથે ડૉ. જી. આર. પટેલ સાહેબએ ખેડૂતમિત્રોને ચોમાસુ પાકોનું આયોજન અને નવસારી કૃષિ યુનિવર્સિટીની સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. જી. આર. પટેલ સાહેબએ ખેડૂત મિત્રોને હાલના સમયમાં આવેલ કુદરતી આફતને અવસરમાં ફેરવવાની હાંકલ કરી હતી. જિલ્લા પંચાયત – તાપીના સદસ્ય અર્ચના વસાવાએ જણાવ્યું હતું કે હાલના લોક્ડાઉનના સમયમાં કેવિકે, વ્યારા ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જમીનની ચકાસણી કરાવી ખેડૂતો સારી રીતે પાકોનું આયોજન કરીને પોતાની ખેતી ફાયદાકારક બનાવી શકે છે અને ખેડૂત મિત્રોને કેવિકે દ્વારા આપવામાં આવતી ખેતી વિષયક માહિતીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા જમીનમાં પોષકતત્વોનું મહત્વ, જમીન ચકાસણીની અગત્યતા, જમીનના નમુના લેવાની યોગ્ય પધ્ધતિ તથા પાક ઉત્પાદન પર તેની અસર વિશે વિસ્તૃતમાં છણાવટ કરવામાં આવી હતી. તેઓએ વિવિધ પાકોમાં વિવિધ પોષક તત્વોની ઉણપના કારણે દેખાતા લક્ષણોને ઓળખતા શિખવ્યું. તેમના દ્વારા જમીન ચકાસણી બાદ તેના રીપોર્ટની સમજણ અને ઉપયોગ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના બીજા ચરણમાં ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમા પ્રો. કે. એન. રણા દ્વારા રીલાયન્સ ફાઉન્ડેશન, મહાનુભાવો, ખેડૂત મિત્રો તથા ખેડૂતોને કેવીકે સુધી પહોંચાડનાર કૃષિ પ્રેમીઓ જેવા કે અર્ચનાબેન વસાવા, રાકેશભાઇ વસાવા, સુરેશભાઇ ચૌધરી, પ્રભુભાઇ ચૌધરી, ઇન્દુબેન ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.