ઓલપાડનાં કરંજ ગામની નવજીવન વિધાલયનાં બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એસ.એસ.સી. બોર્ડ માર્ચ 2025ની પરીક્ષામાં ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત કરંજ ગામની નવજીવન વિદ્યાલયનાં બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ સફળતા હાંસલ કરેલ છે. જેમાં ધ્રુવી રોહિતભાઈ પટેલે 92.33 ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જ્યારે વિકાસ અનિલભાઈ પટેલે 91.83 ટકા મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટોપર વિદ્યાર્થીઓ પૈકી કરંજ ગામની ધ્રુવી પટેલ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે જેનાં પિતા રોહિતભાઈ ભાડાની વાન ચલાવે છે જ્યારે માતા હીનાબેન ઘરકામ કરે છે. બીજીતરફ મીંઢી ગામનો વિકાસ પટેલ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે જેનાં માવતર અનિલભાઈ અને ભારતીબેન ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. પ્રબળ આત્મવિશ્વાસ ધરાવતી ધ્રુવી પટેલ સોફ્ટવેર એન્જિનિયર બનવાની આકાંક્ષા ધરાવે છે જ્યારે વિકાસ પટેલ ઉચ્ચ અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરવા માંગે છે.
ચાલુ વર્ષે શાળાનું પરિણામ 81.81 ટકા આવેલ છે. જેમાં બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે. આ અપેક્ષિત પરિણામ થકી શાળા અને ગામનું નામ રોશન કરનાર બંને વિદ્યાર્થીઓને ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળનાં હોદ્દેદારો, કરંજપારડી સ્થાનિક મંડળનાં હોદ્દેદારો, શાળાનાં આચાર્ય શૈલેન્દ્રભાઈ પટેલ સહિત શાળા પરિવારે આનંદ અને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.