એક બીજ, એક જીવન : પર્યાવરણને બચાવવાનો એક નાનો પ્રયાસ

ઓલપાડની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં એલ.એન્ડ ટી. કંપની હજીરા દ્વારા એક બીજ એક જીવન અંતર્ગત નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપનીનાં સીએસઆર વિભાગ દ્વારા ‘એક બીજ એક જીવન’ થીમ ઉપર ઓલપાડ તાલુકાની આઠ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં એક વિશિષ્ટ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનાં મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને બીજબોલ કેવી રીતે પર્યાવરણને મદદ કરી શકે છે તે સમજાવવાનો હતો. દરેક પ્રાથમિક શાળાઓમાં એલ.એન્ડ ટી.નાં વોલન્ટિયર્સ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા બાદ બીજ બોલ બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ થકી બાળકોને બીજ બોલનાં મહત્વ અને તેની વૃદ્ધિ વિશે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ પ્રવૃત્તિએ બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારી હતી.
કંપનીની આ પહેલ સાથે ઉમંગ શાળામાં સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન દિગ્વિજય રાઠોડ અને મેનેજર શ્રીમતી માનસી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રીમતી તેજસ્વી પટેલ સીએસઆર કો-ઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૮૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. પ્રવૃત્તિ દરમિયાન ૨૨૩૭ થી વધુ બીજબોલ બનાવવામાં આવ્યા જે પૈકી ૯૨૦ જેટલાં બીજબોલ શાળાની આસપાસનાં વિસ્તારો જેવાંકે તળાવ કિનારો, મંદિર પટાંગણ સહિત અવાવરુ વિસ્તારમાં વાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં એલ.એન્ડ ટી.નાં કુલ ૪૭ વોલન્ટિયર્સે સેવા આપી હતી. આ સરાહનીય કાર્યક્રમમાં પિંજરત, કુવાદ, લવાછાચોર્યાસી, અંભેટા, નરથાણ, તેના, ધનશેર તથા સોંદામીઠા ગામની પ્રાથમિક શાળાઓનાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાઈને પ્રભાવિત થયા હતાં. કાંઠા વિસ્તારની લવાછાચોર્યાસી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સદર કાર્યક્રમ દરમિયાન શાળાનાં આચાર્ય કનૈયાભાઈ પટેલે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.