પ્રાકૃતિક ખેતી સમયની માંગ બની છે ત્યારે ચાલો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ, બનવવાની રીત તથા ઉપયોગ અંગેની રીત જાણીએ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી થતી ખેતી પદ્ધતિઓથી જમીનની તંદુરસ્તી ઉપર માઠી અસર પાડે છે. આવી ખેતીથી ઉપજ થયેલા પાકો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક ટકાઉ વિકલ્પરૂપે ઉભરી છે. તેમાં જીવામૃત એક અગત્યનો ઘટક છે, જે જમીનના જીવસૃષ્ટિને જીવંત રાખે છે અને પાક માટે પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો આજે આપણે જીવામૃત (જીવ અમૃત) અને તેને બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગેની પદ્ધતિ જાણીએ.
જીવામૃત એટલે શું?
‘જીવામૃત’ એ ગાયના ગૌમૂત્ર, ગોબર, ગોળ, છાસ અને જમીનની મદદથી તૈયાર કરાતું પ્રવાહી ખાતર છે. એ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પોષણ આપે છે અને પાકના વિકાસ માટે જરૂરી પોષકતત્વો પુરા પાડે છે. જીવામૃતનો નિયમિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
જીવામૃત બનાવવાની રીત
જીવામૃત બનાવવા માટે ૧. ૧૦ કિ.ગ્રા દેશી ગાયનું છાણ અને ૮ થી ૧૦ લીટર ગૌમૂત્ર, ૧.૫ કે ૨ કિ.ગ્રા ગોળ તેમજ એટલા જ પ્રમાણમાં ચણાનો લોટ સાથે ૧૮૦ લીટર પાણી અને ૫૦૦ ગ્રામ ઝાડની નીચેની માટી આ છ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના દંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી છાયામાં મૂકી દેવું. દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના દંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃતને કોથળાથી ઢાંકી દેવું. આવું કરવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે.
ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઇ લેવું જોઈએ અને શિયાળામાં ૮ થી ૧૫ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. ત્યાર બાદ વધેલુ જીવામૃત જમીન ઉપર ફેંકી દેવું જોઈએ.આ જીવામૃત જયારે પિયત સાથે ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જીવાણુંઓની સંખ્યા વધે છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે.
જીવામૃતનો ખેતીમાં ઉપયોગ
જીવામૃતને મહિનામાં એક કે બે વાર જરૂરિયાત મુજબ, ૨૦૦ લીટર પ્રતિ એકરના હિસાબથી પિયતના પાણી સાથે આપી શકાય. ફળઝાડની પાસે ઝાડની બપોરે ૧૨ વાગ્યાં જે છાયા પડે છે, તે છાયાની પાસે પ્રતિ ઝાડ ૨ થી ૫ લીટર જીવામૃત જમીન ઉપર મહિનામાં એક અથવા બે વાર ગોળાકાર રીતે આપી શકાય. જીવામૃત આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. પાણી સાથે સ્પ્રે તરીકે: 200 લિટર પાણીમાં 10 લિટર જીવામૃત મિક્સ કરીને 1 એકર ખેતરમાં છાંટણી કરો, માટી સાથે ભેળવવું: વાવણી પહેલા જમીનમાં 200 લિટર જીવામૃત છાંટો, ટપક સિંચાઈ સાથે: ટપક સિસ્ટમમાં જીવામૃતનું દ્રાવણ રાત્રે આપો.દરેક 15 દિવસના અંતરે જીવામૃતનો ઉપયોગ કરો.
જીવામૃતના ફાયદા:
જમીનની ઉત્પાદકતા વધે છે, પાકોની વૃદ્ધિ ઝડપી થાય છે, જમીનની રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થાય છે તેમજ ખાતરના ખર્ચમાં ઘટાડો થાય છે.
આમ, જીવામૃત એ પ્રાકૃતિક ખેતીનો મહત્વનો ભાગ છે. એ માત્ર પાકોને પોષણ જ નથી આપતું, પણ જમીનને જીવંત રાખીને લાંબા સમય માટે ખેતી ટકાવી શકે તેવું માહોલ બનાવે છે. આજના સમયની માંગ પ્રમાણે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો સ્વીકાર અને ઉપયોગ ખેડૂતોને શાશ્વત ખેતી તરફ લઈ જઈ શકે છે.
નોંધનીય છે કે, તાપી જિલ્લામાં ૧૭૪૦૬ ખેડૂતો ૮૨૪૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીથી ખેતી કરી રહ્યાં છે. તાપી જિલ્લામાં ચાલુ વર્ષમાં પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત બનાવી અન્ય ખેડુતોને પુરૂ પાડવા માટે માળખાકિય સુવિધા ઉભી કરવા આત્મા ગૃપ/સખી મંડળ મળી કુલ ૧૪ ગૃપોને સહાય આપવામાં આવે છે. અને FPO/ગૌશાળા/પાંજરાપોળ/ સહકારી સંસ્થા મળી કુલ ૩ સંસ્થાને રૂ. ૧,૨૦,૦૦૦/- મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.