મેદસ્વિતા ઘટાડવા માટે સંતુલિત આહાર અને શ્રી અન્ન રામબાણ

કઠોળથી પ્રોટીન મળે છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે તો શ્રી અન્નમાં ફાઈબરની માત્રા વધારે હોય છે જે પાચનમાં સુધારો કરે છે
*******.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩. મેદસ્વિતા આજનાં ઝડપી જીવનમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે માત્ર આત્મવિશ્વાસને જ અસર કરતી નથી, પરંતુ ઘણાં ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે.આ મેદસ્વિતા ઘટાડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મેદસ્વિતા મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે.
મેદસ્વિતા ઘટાડવા માટેનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ સંતુલિત આહાર છે. સંતુલિત આહારનો અર્થ એ થાય છે કે શરીરને જરૂરી તમામ પોષકતત્ત્વો જેવાં કે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજો યોગ્ય માત્રામાં મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ.
તમારા રોજિંદા આહારમાં કઠોળ અને શ્રી અન્ન જેમ કે બાજરી, જુવાર, રાગી, કુટ્ટુ, રામદાણા, કંગની, કુટકી, કોડો, છિના અને સમા જેવા ઘણાં અનાજ ભારતમાં ઉત્પન્ન થાય છે. આ બધાં અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. સાથે જ શ્રી અન્નમાં ફાઈબરની માત્રા વધારે હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તેનાથી વારંવાર ખાવાની આદત ઓછી થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
શ્રી અન્નમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે અને મેદસ્વિતાને લગતી ડાયાબિટીસ જેવી બીમારીથી બચાવે છે. તેમજ આ પરંપરાગત અનાજ કુદરતી રીતે જ પૌષ્ટિક હોય છે અને શરીરની ઊર્જામાં વધારો કરે છે.
તેથી, જો તમે વજન ઘટાડવા માંગતાં હોવ, તો જંક ફૂડ અને ખૂબ જ તેલ-ઘી યુક્ત ખોરાકથી દૂર રહો અને તમારા આહારમાં નિયમિતપણે કઠોળ અને શ્રી અન્નનો સમાવેશ કરો સાથે નિયમિત કસરત અને પૂરતી ઊંઘ લો અને તંદુરસ્ત રહો.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.