ગોલણના ઉર્વશીબેન પ્રાકૃતિક કૃષિથી પોતાની ૭ વીઘા જમીનમાં જાત જાતના પાકો ઉગાવી પ્રયોગો કરે છે

રસ,ખંત અને ઉત્સાહથી પ્રાકૃતિક કૃષિ કરતા ઉર્વશીબેન આ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી આવશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૮. તાપી જીલ્લાના વાલોડ તાલુકાનું એક નાનકડું ગામ ગોલણ. અહીંના છુટા છવાયા ઘરોમાં જઈએ એટલે દરેક દિશામાં આવેલા આલગ અલગ ઘર સુધી જવા પાકા રસ્તાઓ જોવા મળે. રસ્તાની બંને બાજુ આવેલા ખેતરોના લણણી પહેલાના પાકોની વચ્ચે આવેલા સર્પાકાર માર્ગો ઉત્કૃષ્ઠ અનુભૂતિ કરાવે. અપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં પણ અહી ચારેબાજુ ખેતરોમાં લીલોતરી દેખાય અને ઠંડી પવનની લહેરખીઓ વાય. ગોલણના હોશિયાર અને ધંધાદારી સૂઝબુઝ ધરાવતા ઉર્વશીબેન પ્રકાશભાઈ ચૌધરીને અમે મળ્યા. ખેતીના વ્યવસાયમાં દીર્ધ દ્રષ્ટી ધરાવતા અને પ્રાકૃતિક કૃષિને એક વ્યવસાયના દ્રષ્ટિકોણથી વિચારતા ઉર્વશીબેન ૭ વીઘા જમીનમાં મોડેલ ફાર્મ વિકસાવ્યું છે. ૨૦૧૯થી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. તેમના ખેતરમાં થતી આટ-આટલી વેરાયટી જોઇને જ આપણને ખ્યાલ આવી જાય કે એક મહિલા ઉદ્યોગ સાહસિકના બધા જ ગુણો તેમાં પ્રાપ્ય છે. તેઓ જણાવે છે કે તેમને કૃષિ ઉદ્યોગમાં ખુબ રસ છે, તેઓ ઉત્પાદન સામે જોતા જ નથી, પરંતુ તેમનો લક્ષ્ય શરીર અને જમીન બંનેને સ્વસ્થ બનાવાનો છે.
ઉર્વશીબેને આત્મા કચેરી માથી રૂ.૬૦ હજારની જીવામૃત વેચાણ સહાય મેળવી છે. ઉર્વશીબેન જણાવે છે કે, સરકાર તરફથી વિવિધ સહાય મળે છે એટલે ઔર ઉત્સાહ વધે છે. તેમના ખેતરમાં આંબા, લીંબુ, હળદર, જમરૂખ, શેરડી, ડાંગર, તુવેર, મગ, મગફળી, હળદર જેવા અનેક પાકો લીધા છે. ઉપરાંત આંતરપાક તરીકે શાકભાજી, ઈલાયચી કેળા વગેરે પાક ઉગાડે છે. અત્યારે તેમણે ૧૦૦-આંબાના વૃક્ષ અને મધ્યપ્રદેશના રેડ ડાયમંડ જાતના જમરૂખ વાવેલા છે. તેઓ પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયત મોડેલ ફાર્મની પદ્ધતિને અનુસરે છે. ધંધાદારી સૂઝની એક સરસ વાત કહેતા તેઓ જણાવે છે માર્કેટમાં ખેત પેદાશો કરતા મૂલ્યવર્ધન કરેલી ફાઈન પ્રોડક્ટ વધારે વેચાય છે, આ વાત કહેતા તેમણે ઉમેર્યું કે મુલ્ય વર્ધન એટલે વેલ્યુ એડીશન, જેમાં પ્રોજક્ટને લોકો વધારે સારી રીતે ઉપયોગમાં લઈ શકે તે રીતે તેના સ્વરૂપને બદલવું, દા.ત; મગફળીની બદલે તેનું તેલ કઢાવીને વેચવું, શેરડીની બદલે ગોળ બનાવીને વેચવો, હળદરની બદલે ટરમરિક પાવડર વેચવો, રાજાપુરી કેરી ઉગાવીને તેનું અથાણું વેચવું, ડાંગરમાંથી ચોખા બનાવીને વેચવા વગેરે. ઉર્વશીબેન ચૌધરી જણાવે છે કે ફાઈન પ્રોડક્ટ માટે તેઓ લેબ ટેસ્ટ, પ્રોસેસિંગ વગેરે જેવા પ્રાથમિક કાર્યો પણ પોતાના ઉત્પાદન ઉપર કરાવે છે. તેમનો ગયા વર્ષનો નફો ૨ લાખ ૫૦ હજાર જેટલો થયો હતો, તેઓ આ ક્ષેત્રમાં હજુ આગળ વધવા માંગે છે. તેમના પતિ પ્રકાશભાઈ ચૌધરી એફ.પી.ઓમાં જોડાયેલા છે તેમનો પણ સહયોગ મળે છે. ઉર્વશીબેન જેવા ઉદ્યમી મહિલા ઉધોગ સાહસીક અને મહિલા પ્રગતિશીલ ખેડૂત ખુબ આગળ વધે અને પોતાના તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.