ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ બાળકોએ રોજા રાખી ખુદાને બંદગી અદા કરી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઈસ્લામ ધર્મમાં રમજાન મહિનાને સૌથી પાક માનવામાં આવ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ પરિવારનાં નાના ફૂલ જેવાં બાળકો રૈહાન ખલીફા, મુઆઝ ખલીફા, અસ્હદ ખલીફા, ઈર્શાદ ખલીફા, તાહીર ખલીફા, સલમાન ખલીફા, માહેરા ખલીફા તથા રૂમાના ખલીફાએ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખ્યા હતાં. આ નાના બાળકો દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે પોતાનાં ધર્મનાં લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતાં અને સાંજનાં સમયે રોજા ખોલી ખુદાની ઈબાદત કરી દુઆઓ કરી હતી.
ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનાં ગણાતાં રમજાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્રીસ દિવસ સુધી અલ્લાહની બંદગીની સાથે દાન-પુણ્ય સહિત ધાર્મિક કાર્યમાં જોડાય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને દેશમાં ભાઈચારો બની રહે તેવી બંદગી સાથે ગામનાં સૌ મુસ્લિમ બિરાદરોને શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ અને શાળાનાં ઉપશિક્ષક એવાં ગિરીશ પટેલે પવિત્ર રમજાન માસની હાર્દિક શુભકામના પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.