પદમડુંગરી પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત “વોટરશેડ યાત્રા” કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની પદમડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસના માર્ગદર્શન અને DWDU પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત “વોટરશેડ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જળસંચય, જળસંગ્રહ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે રથયાત્રાને લીલી ઝંડી આપીને મહાનુભાવોએ સભા મંડપમાં ઉપસ્થિત નાગરિકોને યોજના સંદર્ભે ઝીણવટપૂર્ણ માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોજનાકીય લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના અનુભવ અને મંતવ્ય રજૂ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી માટે લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ જમીન અને જળ સંરક્ષણની સામુહિક પ્રતિજ્ઞા લઈને રથના માધ્યમથી ઉપસ્થિત નાગરિકોએ યોજનાની માહિતીસભર ફિલ્મ નિહાળી હતી. સાથે પર્યાવરણ જાગૃતિ માટે આયોજિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત પદમડુંગરી પ્રોજેક્ટમાં કુલ આઠ ગામોનો સમાવેશ થાય છે. પદમડુંગરી પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા કુલ 1718 કામો માટે રૂ. 12 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. જેમાં ચેકડેમ બનાવવા, તળાવ ઊંડા કરવા, ગેબિયન સ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ કરી ગામોમાં પાણીની અછતને નિવારી શકાય તે માટેની કામગીરી કરાશે.
આ યોજના થકી લોકોની આજીવીકા માટે સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ આપવું, વિવિધ સાધન સહાય જેવી કે મસાલા મિલ યુનિટ, મંડપ ડેકોરેશન, અથાણા પાપડ યુનિટ, કેટરિંગ કીટ જેવા સાધનો થકી જરૂરિયાત મંદ પરિવારોને આપીને તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરી પગ પર બનાવવાના પરિણામલક્ષી પ્રયાસો આદરવામાં આવી રહ્યા છે. ખેતીવાડીની પ્રવૃત્તિ માટે પણ આ યોજના ખૂબ જ મદદરૂપ નીવડી રહી છે.
આ વેળાએ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વાસંતીબેન પટેલ, ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂતો, બાળકો, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.