સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો ટીમ ચેમ્પિયન

રમત એટલે જીવનનાં દરેક પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતું માધ્યમ: કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જેમાં 9 તાલુકાનાં શિક્ષકોની 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સદર ટુર્નામેન્ટનું ઉદ્ધઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ તથા મહામંત્રી અરવિંદ ચૌધરીનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, નાણાંમંત્રી પ્રવિણ ત્રિવેદી, અનિલ ચૌધરી, રીના રોઝલીન, મરુવ્રત ચૌધરી, અશોક ચૌધરી, સિરાજ મુલતાની, બિપીન પટેલ, વિશ્વજીત ચૌધરી, એરિક ખ્રિસ્તી, યજમાન શાળાનાં આચાર્ય કુમેદ ચૌધરી તથા તમામ ટીમનાં ટીશર્ટનાં સ્પોન્સર એવાં માંડવી સ્થિત મૈત્રી ફાઇનાન્સિયલ સર્વિસનાં અમિત ચૌધરી ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટુર્નામેન્ટનાં લીગ રાઉન્ડ બાદ પ્રથમ સેમી ફાઈનલ માંગરોલ અને કામરેજ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં કામરેજ તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં મહુવાની ટીમ વિજેતા બની હતી. અંતે ફાઇનલ મેચમાં કામરેજ અને મહુવા તાલુકાની ટીમ ટકરાઈ હતી. આ રસાકસીભર્યા મુકાબલામાં કામરેજ તાલુકાની ટીમે બાજી મારી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. ચેમ્પિયન ટીમ કામરેજ તેમજ રનર્સઅપ ટીમ મહુવાને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષ મૈસુરીયા સહિત સ્થાનિક હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.