તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ : ધ્વજ વંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો
—
સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા
—
ગુજરાત પોલીસના ૨૨૫ કલાકાર કર્મીઓએ પ્રસ્તુત કર્યું હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ
—
વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. :- સંસ્કૃતિ અને અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતાં તાપી જિલ્લામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો.
આ વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું. પરેડ નિરીક્ષણમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન, બાન, શાનને ઉજાગર કર્યું હતું. પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતાં પોલીસ જવાનોની વિવિધ ૨૩ ટુકડીમાં કુલ ૭૮૦ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી.
રાષ્ટ્રધ્વજનું સન્માન અને સલામી
દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓ, પ્રશાસનના અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, અતિથિગણ, યુવાપેઢી, મહિલાઓ-બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાળ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ફન ફેર હર્ષધ્વનિએ રાષ્ટ્રીય પર્વને સોહામણો બનાવ્યો હતો.
માર્ચ પાસ્ટ
પોલીસ બેન્ડની મધુર સુરાવલિ સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાઈ હતી. ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપીના જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા-પુરુષ પ્લાટૂન, એસપીસી, એનસીસી, એનએનએસના કેડેટ્સની આ પરેડને ઉપસ્થિત સૌએ મજા માણી હતી.
આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન (ટેબ્લો), દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા ગુજરાત શ્વાનદળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા. વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.
પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક નિહાળતાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએએ જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણના ભાવનાની પ્રશંસા કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ
દેશભક્તિના રંગમાં રંગાયેલી તાપી જિલ્લાની પાવન ભૂમિ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને લોકો મંત્રમુગ્ધ થયા હતા. કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા દેશભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતની આગવી ઓળખ એવા રાસ ગરબાની તાલબદ્ધ સામૂહિક નૃત્યએ અનેરી જમાવટ કરી હતી.
કસ્તુરબા અધ્યાપન મંદીર બોરખડીની દીકરીઓ દ્વારા નયનરમ્ય પોષાકમાં પ્રસ્તુત કરાયેલું દેશભક્તિ ગીત, ‘આદિવાસી જંગલ રખવાલા રે’ પર પ્રસ્તુત કરાયેલું આદિવાસી નૃત્ય અને ગુજરાતના સંસ્કૃતિની આગવી ઓળખ એવા રાસગરબાએ પ્રેક્ષાગૃહમાં ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યાં હતા.
બ્રાસ બેન્ડ ડિસ્પ્લે દ્વારા ગુજરાત પોલીસના જવાનોએ સુર, તાલ અને ચાલનું સુંદર પ્રદર્શન કર્યું હતું. જવાનોએ “માં તુઝે સલામ”, “દિલ દિયા હૈ જાન ભી દેંગે”, “મેરી મીટ્ટી” જેવા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતોને સંગીતની સુમધુર સુરાવલી સાથે પ્રસ્તુતી કરી હતી. જેને સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગુજરાત પોલીસના ૨૨૫ જેટલા કલાકાર કર્મીઓ દ્વારા “સપ્તરંગી ગુજરાત” થીમ પર હાલાર રાસ, સાંસ્કૃતિક ગરબો સહિત સ્થાનિક સંસ્કૃતિ પર આધારિત સુંદર કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાત પોલીસે મોટરસાયકલ સ્ટંટ શો દ્વારા સાહસ, શૌર્ય અને ધૈર્યનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો. મેદાનની બંને દિશાઓથી આંખના પલકારાથી એકબીજાને ક્રોસ કરતાં ગુજરાત પોલીસનાં બાઈક રાઈડર્સનો દિલધડક શોને પ્રેક્ષાગૃહના પ્રેક્ષકોએ ઉત્સાહથી માણ્યો હતો. પોલીસની મહિલા-પુરુષની ટુકડીએ અવનવા કરતબો દ્વારા સૌને અચંબિત કર્યા હતા.
આ રાષ્ટ્રીય પર્વમાં ટેન્ટ પેગિંગ, માર્ગમાં આવતા અવરોધોને પાર કરીને અશ્વદળે પોતાની ચપળતા, કાબેલિયત અને સમયસૂચકતાનું નિદર્શ કર્યું હતું. અશ્વસવારોએ પોતાના નિદર્શન પ્રસ્તુત કરીને ભારતીય ધ્વજને સલામી અર્પણ કરી હતી. ડોગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજસ્થાન પોલીસ પ્લાટૂનને ગેસ્ટ ટ્રોફી એનાયત કરાઈ હતી. તેમજ ઉત્કૃષ્ટ પ્લાટૂનમાં પ્રથમ ક્રમે ચેતક કમાન્ડો પ્લાટૂન, દ્વિતિય ક્રમે સુરત શહેર મહિલા પોલીસ પ્લાટૂન અને તૃતિય ક્રમે તાપી જિલ્લા એન.સી.સી. પ્લાટૂનને ટ્રોફી એનાયત કરાઈ હતી. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રસ્તૂતી કરનારી ટુકડીઓને પણ મેડલ આપી સન્માનિત કર્યા હતા. પરેડ પ્લાટુનની સાથે પ્રસ્તૂત થયેલી સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારોને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
કાર્યક્રમના અંતિમ ચરણોમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ અવસરે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેષ ઉપાધ્યાય, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ કોંકણી, શ્રી મોહનભાઈ ઢોડિયા, ડો. જયરામભાઈ ગામીત, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વર્ષાબેન રાઠોડ, ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, વિશેષ આમંત્રિતો, વહીવટી તંત્ર અધિકારી, કર્મચારીઓ, મહિલા-બાળકો, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
000