શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઊંચામાળા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને એવોર્ડ એનાયત થયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16. ભાવનગર જિલ્લાના મહુવા પાસે તલગાજરડા ખાતે દર વર્ષે રાજ્યના દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંધ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 2 લાખ શિક્ષકો માંથી વ્યારા તાલુકાના ઊંચા માળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સંજય કુમાર ગામિતની પસંદગી શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ હતી. આ પારિતોષિક માટે પ્રત્યેક જિલ્લા માટે 1 શિક્ષક એમ કુલ 33 શિક્ષકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષનો કાર્યક્રમ પૂ.મોરારીબાપુના સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમમાં અતિથિ તરીકે પદ્મશ્રી સરિતા જોશી તેમજ લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હાજર રહ્યા હતા. સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, તેમજ અન્ય શિક્ષક આલમના મહાનુભાવો ઉપસ્થિત હતા.
પૂ. મોરારીબાપુ એ કહ્યું કે આપ સૌ મોટા પ્રમાણમાં અહીં પધારો છો તે અમારા માટે ગૌરવની વાત છે. હજુ વધારે પ્રમાણમાં ચિત્રકૂટ ધામ શિક્ષકોનું સન્માન કરવામાં નિમિત બની શકે તે માટે અમારો પ્રયત્ન છે.
બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે શિક્ષક એવોર્ડ માટે પસંદગીનું કપરું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે, જે પારદર્શી ઉત્તરદાયિત્વ માટેના કામને આવકારું છું. શિવકુજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામ બાપુએ શિક્ષકોને સંબોધતા શિક્ષકોનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું હતું કે, નિષ્ઠાએ ગુણનું સ્વતંત્ર મૂલ્ય છે. મા, માસ્તર અને મહાત્મા તથા ગુરુ નરમાંથી નરોત્તમ બનાવી શકે છે. શિક્ષણથી નૈતિક મૂલ્યો મળે છે. જ્યારે વિદ્યા વિદ્વાન બનાવે છે. તો કેળવણી જીવનનું ઘડતર કરે છે, કેળવણીની જરૂરી છે. માટે શિક્ષણ, વિદ્યા અને કેળવણીનો આધાર સ્તંભ શિક્ષક છે.
000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.