તાપી જિલ્લા માટે વધુ એક સારા સમાચાર : જાણો શું છે વિગત
કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરગ્રસ્ત “કોરોના” દર્દીને òઅમદાવાદની “કોવિદ-19” હોસ્પિટલમાંથી રજા અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: 11: તાપી જિલ્લા માટે “કોરોના”ને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરગ્રસ્ત દર્દી, કે જે સારવાર દરમિયાન “કોરોના” પોઝેટિવ થયા હતા, જેને અમદાવાદની “કોવિદ-19” હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરની સારવાર લઈ રહેલા દર્દી શ્રી વિનાયકભાઇ તુકારામભાઈ પાડવી, કે જેઓને અત્રેથી ગત તા.26 4 2020 થી 30 4 2020 સુધી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમને વધુ સારવારની આવશ્યકતા જણાતા તા.30 4 2020ના રોજ અમદાવાદની બી.જે.મેડિકલ હોસ્પિટલના કેન્સર વિભાગ ખાતે ખસેડાયા હતા. જ્યાં તા.1 લી મે ના રોજ તેમનો “કોરોના” ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝેટિવ આવ્યો હતો.
તાપી જિલ્લાના આ દર્દીએ ખૂબ જ મક્કમ મનોબળ સાથે “કોરોના” નો સામનો કરીને તેને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. જેમને તા.8 5 2020 નો રોજ “કોવિદ-19” હોસ્પિટલમાંથી રજા આપીને, કેન્સરના વોર્ડમાં શિફ્ટ કરાયા છે.
આમ, આજની તારીખે તાપી જિલ્લાના તમામે તમામ ત્રણ “કોરોના” પોઝેટિવ દર્દીઓને “કોવિદ-19” હોસ્પિટલમાંથી રજા મળી જતાં, જીલ્લામાં એક પણ દર્દી “કોરોના” પોઝેટિવ રહ્યું નથી, જે જિલ્લા વહીવટી તંત્ર માટે ખુબ જ રાહતના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાનો પ્રથમ કેસ વ્યારા તાલુકાનાં માયપુર ખાતે નોંધાયો હતો. જે દર્દી પણ સારા થતાં તેમને ગત તા.4 5 2020ના રોજ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા બહાર નોંધાયેલા પરંતુ તાપી જિલ્લાના વતની એવા વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના બીજા દર્દીને પણ તા.8 5 2020ના રોજ સુરત ખાતેથી રજા આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ જિલ્લાના પ્રજાજનોને “લોકડાઉન” ના તમામ નીતિ નિયમો, અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને, આગામી દિવસોમાં પણ તાપી જિલ્લો સંપૂર્ણ સ્વસ્થ રહે તે માટે દો ગજ દૂરીનું હમેશા ધ્યાન રાખવા સાથે, ઘર બહાર નીકળતી વખતે હમેશા ફેસ માસ્કનો ઉપયોગ કરવા, અને વારંવાર સાબુથી હાથ ધોઈ, સેનેટાઈઝ કરવાની આદત કેળવવા સૌ પ્રજાજનોને અપીલ કરી છે.
–