રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી હળપતિ

Contact News Publisher

રાજ્ય સરકારે આદિજાતિ ઉત્કર્ષ માટે હરહંમેશ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે – આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને જનતાને ભેટ આપતા રાજ્યમંત્રીશ્રી હળપતિ

આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ૪૩૭૪ કરોડનું બજેટ ફાળવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા મંત્રીશ્રી હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. : આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને વિકાસની ભેટ આપી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી હળપતિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજાકલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે. વધુમાં મંત્રી શ્રી હળપતિએ ઉમેર્યુ કે, પ્રજાને વધુમાં વધુ બહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. તાપી જિલ્લા સહિત રાજ્યના આદિવાસી બાંધવોનો સર્વાંગી વિકાસ થાય તેવા આશય સાથે આદિજાતિ વિભાગ માટે રૂ. ૪૩૭૪ કરોડનું વિશેષ બજેટ તૈયાર થયું છે. રાજ્ય સરકાર હરંહમેશ આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના નિર્ણયો લીધા છે.

નોંધનીય છે કે, અંદાજિત રૂ. ૨૧૪૯.૦૧ લાખના ખર્ચે માંડવી-શેરૂલા રોડના માર્ગના નવીનીકરણ સહિત બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડ ઉપર આવતા ૬ માઈનોર બ્રીજનું બાંધકામ, તેમજ સોનગઢ ઉકાઈ શેરૂલ્લા રોડ પર આવતા ૧ માઈનોર બ્રીજનું બાંધકામ અને આ બંને રસ્તા ઉપર આવતા કુલ ૭ નબળા તથા સાંકળા પુલોને પહોળા કરવાનું તેમજ નવા માઈનોર બ્રીજનું બાંધકામ થનાર છે.

માંડવી શેરૂલા રોડ માંડવી તાલુકા અને સોનગઢ તાલુકાને જોડતો ખુબજ અગત્યનો રસ્તો છે. કુલ ૧૪.૫૦ કિમી લંબાઈ ધરાવતા આ માર્ગ ઉપર આવતા ખેરવાડા, બુટવાડા, જુનાઈ, નિંદવાડા, સરજામલી, લીંબી, નાની પીપલ તથા શેરૂલ્લા ગામની અંદાજિત ૧૪,૮૯૪ નાગરિકોને પ્રત્યક્ષ રીતે તેમજ સોનગઢ અને માંડવી તાલુકાની વસ્તીને પરોક્ષ રીતે મોટો લાભ થશે. વધુમાં ઉકાઈ ડેમ ઉપર આવતા સહેલાણીઓ માટે ખૂબ લાભ થશે.

આજરોજ મંત્રી શ્રી હળપતિના હસ્તે થયેલા ખાતમૂહુર્ત દરમિયાન તાપી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other