સુરતનાં આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવજીવન વિધાલય ખાતે પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં કતારગામ વિસ્તારનાં આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઓલપાડનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં કરંજ ગામે આવેલ નવજીવન વિધાલય ખાતે શાળાનાં તમામ બાળકોને અન્ન સેવા એજ પ્રભુ સેવાનાં શુભ ભાવ સાથે પ્રિતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અશોકભાઈ ડાભી, મહેશભાઈ કેવડીયા સહિત સમગ્ર ટ્રસ્ટીગણે ઉપસ્થિત રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. આ તકે પ્રમુખ અશોકભાઈ ડાભીએ શિક્ષકો તેમજ બાળકોને ભગવાનની ઉપમા આપી તેમની સાથે ભોજન લેવાની પળને પોતાનું અહોભાગ્ય છે એમ જણાવ્યું હતું.
સદર ટ્રસ્ટ સાથે પરોક્ષ રીતે જોડાયેલ ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશાબેન ગોપાણીએ વધુ માહિતી આપતાં જણાવેલ હતું કે આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિધવા સહાય, વૃક્ષારોપણ, ગૌ સેવા, છેવાડાનાં ગામોનાં બાળકોને નોટબુક વિતરણ તેમજ બાળકોને પૌષ્ટિક ભોજન આપવાનું ઉમદા કાર્ય કરે છે. તદ્ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ પાંચથી સાત વખત રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવે છે જે સરાહનીય બાબત છે. અંતમાં શાળાનાં આચાર્ય શૈલેન્દ્રભાઈ પટેલે બાળકો સમક્ષ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ વર્ણવી ટ્રસ્ટનાં તમામ મિત્રો કે જેઓ તન, મન, ધનથી નિ:સ્વાર્થ સેવા બજાવી રહ્યાં છે તેમનો શાળા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.